પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગઈ કાલે નરસિંહભાઈ પટેલના આફ્રિકાના કાગળો વાંચી ગયા. એમાંથી નરસિંહભાઈના વિચારો કેમ પલટાયા એનું વર્ણન કરનારો કાગળ હું કાંતતો હતો તે મને ચાંપીને વાંચી સંભળાવ્યો. કેવી રીતે એમણે હિંદુસ્તાન છોડવા છતાં સરકાર માટે ક્રોધ, વૈરભાવ સંધરી રાખ્યાં હતાં, કેવી રીતે એમણે અંગ્રેજ મુસાફરોની સાથે નવલકથા અદલબદલ કરતાં ટૉલ્સ્ટૉયનું A Murderer's Remorse ( ખૂનીનો પ્રસ્તાવ ) એ પુસ્તક વાંચ્યું અને એમની આંખ ઊઘડી ગઈ, અનેક વાર વાંચ્યું, એનું ભાષાંતર મિત્રોમાં ફેરવ્યું, અને અહિંસાના ઉપાસક બન્યા. બાપુ કહે : " એમનું નિખાલસપણું બહુ વખાણવા જેવું છે."

८-४-'३२ એક કાગળ – અંબાલાલ મોદીનો - જોળીઆ ખડકી, નડિયાદથી આવેલો, તેને જવાબ આપ્યા પછી જોળીઆનો અર્થ પૂછ્યો, અને તેમાંથી પોળોનાં નામ વિષે વાત ચાલી. વલ્લભભાઈ કહે : " નાગરવાડો એટલે ઢેડવાડો," બાપુથી પણ હસાઈ ગયું. પણ એ હસવું વાળવાને માટે કહો કે અનાયાસે તેમને રાજકોટનો નાગરવાડો યાદ કરતાં કેટલાંક સ્મરણો તાજા થયાં. ૧૮૯૬-૯૭ માં રાજકોટમાં પહેલી મરકી આવેલી તે વેળા બાપુ તાજા દક્ષિણ આફ્રિકાથી આવેલા. અને સુધારા કરવાની ધગશ તો ખરી જ. એટલે મરકીનિવારણ માટે ઉપાયો લેવામાં મદદ કરેલી. મુખ્ય કાર્યક્રમ એ હતો કે તે વેળાનાં પાયખાનાંનો નાશ કરી જુદાં પાયખાનાં બાંધવાં – જેમાં સૂર્યનો પ્રકાશ આવતો હોય, અને જેમાંથી ભંગીને આગળથી પેસીને આગલા ભાગ સાફ કરવાનું સુગમ પડે. આ ફેરફારો કરવામાં ગરીબ લોકો તા ખૂબ અનુકુળ થયા, પણ વધારેમાં વધારે વિરોધ નાગરવાડામાં થયો. એ તો કહે : ન જોયો મોટો પાયખાનામાં સુધારો કરનારો આવ્યા છે ? મેઘજીભાઈ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જે મારા સગા થાય, તેમની અને બીજાની મને મદદ હતી. પણ નાગરવાડાએ ન સાંભળ્યું, અને ગાળોના વરસાદ વરસાવ્યા તે જુદા ! ઢેડવાડામાં પણ હું ગયેલો - પણ ક્યાં ઢેડવાડો ને ક્યાં નાગરવાડો ! ઢેડવાડાની સ્વચ્છતાનો પાર નહીં. ત્યાંના સ્વરછ ફળિયામાં કશું પાથર્યા વિના આપણે બેસી શકીએ, જ્યારે નાગરવાડો ગંદકીનું ઘર હતો.

એ વખતે દુકાળ પણ હતો. દુકાળિયાને માટે આફ્રિકાથી પણ પૈસા આવેલા. મને કશો અનુભવ નહીં એટલે એક મધ્યસ્થ જગામાં જઈને

૮૦