પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રેટિયો કાંતતાં કાંતતાં બાપુએ રેંટિયામાં જે ફેરફારો કર્યા છે તેની વાતો કરી. હમણાં તો રોજ ૨૫૦ વાર જેટલું કાંતે છે એમ જણાવ્યું. હજી શરીરમાંથી થાક નથી નીકળ્યો એવી ફરિયાદ હતી.

સેમ્યુઅલ હોરને કાગળ અને તેને માટે covering letter (સાથેનો કાગળ) સાઈમ્સ સાહેબને લખીને તે બપેારે મોકલ્યા. મોકલ્યા પછી બાપુ કહે : “ હવે જાણે collapse થવા (થાકીને બેસી પડવા) જેવું લાગે છે, જેમ દિલ્હીમાં કાચી સુલેહ થયા પછી થયું હતું તેમ. રાત્રે-મધરાત પછી બધું નક્કી થયું, બેનને તાર કરવાનું અર્વિને ઇમર્સનને કહ્યું અને પછી આવીને બેઠા. એ પણ ગમગીન અને હું પણ. મેં મૌન તોડ્યું અને કહ્યું કે: “ જુઓ, હું તો તદ્દન ઠંડો થઈ ગયો છું. અને તમને પણ એવી જ લાગણી થઈ રહી છે એમ જોઉં છું. એટલે તમને ફરી પાછી વીનવું, ફરી પાછાં તમને કહું કે હું તો લડવૈયો રહ્યો, મારે તો પાછું લડવુંયે પડે. તમને પણ થતું હોય કે કયાં આ સમાધાનમાં પડ્યા, અમલદારો કોઈ સમાધાન ઇચ્છતા નથી, વાતાવરણ પ્રતિકુળ છે. ત્યાં શું સમાધાન કરવું ? તો હજુ તમે તાર પાછો ખેંચી લો, બેન મને મૂરખ કહેશે એટલું જ ના !' પછી એણે કહ્યું, ‘ ના એવું કશું નથી. તમારે લડવું જોઈએ તો લડજો. પણ વાજબી રીતે લડશો ના ? ના, ના, એ તો સમાધાન થયું તે થયું.' આજે કાગળ મોકલ્યો નહોતો ત્યાં સુધી થતું હતું કે કાગળ જાય એટલે સારું. પણ હવે કાગળ ગયો એટલે થાય છે કે શી જવાબદારી માથા ઉપર લઈ લીધી છે ? . . . સંભવ છે કે અસ્પૃશ્યોને માટે અલગ મતમંડળ તો ગયાં જ હવે. નહીં તો એમ પણ બને કે મને છોડી દે અને પછી મરવા દે ! ” મેં કહ્યું : "છોડી દઈને તો એ અનશનથી એ લોકોએ કલ્પ્યો ન હોય એવડો મોટો ખળભળાટ થાય.” બાપુ કહે : "હા.”

१२-३-'३२ વલ્લભભાઈ સવારે કહે : “ આટલી વખતે તો બે વર્ષ ઉપર આ દહાડે ચંડેાળા તળાવ વટાવી દીધું હતું.' લડતને બે વર્ષ થઈ ગયાં. વચ્ચે તો એક નાનકડો વિષ્કંભક –ગાળો આવી ગયો.

વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : કેટલાં ખજૂર ધોઉં? ” બાપુ કહે : પંદર. એટલે વલ્લભભાઈ કહે : “ પંદરમાં અને વીશમાં ફેર શું ?” બાપુ કહે : “ત્યારે ‘દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું ? ” મને કહે : “ કેમ મહાદેવ, કેવી જેલ છે ? ઘેર કોઈ પથારી કરીને સુવડાવતું હતું કે ? કમોડ ધોઇને રોજ તડકે કોઈ મૂકતું હતું કે? અને ટોસ્ટ કરેલી રોટી, માખણ, દૂધ અને વિધવિધ જાતની