પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વલ્લભભાઈએ આ વાત સાંભળી ત્યારે પોતાની એક રમૂજી વાત કહી : " મારા મામા મ્યુનિસિપાલિટીમાં ઓવરસિયર હતા. તેના મનમાં કે આ છોકરો શું ભણશે ? લાવો ઠેકાણે પાડીએ. એટલે એ ઘણી વાર મને કહે કે અલ્યા, તું આવી જા, તને મુકાદમની જગા અપાવી દઈશ. એટલે કાલથી જ કમાતો થઈ જઈશ ! ”

મીરાબહેનનો કાગળ લખતાં લખતાં પૂછ્યું: “ inexhaustible ની જોડણી શી ? એમાં ‘ h’ છે કે નહી ? મેં ‘h' લખ્યો છે. ” મને શંકા ગઈ. ડિકશનરી જોઈ, અંદર “ h’ નીકળ્યો. પછી કહે : “ એનો ધાતુ જુઓ એટલે સમજાશે.” ધાતુ જ “ h’ થી શરૂ થતા હતા : haus to draw. પછી બાપુ કહે : " પણ એવા બીજા કેટલાક શબ્દો છે જેમાં “ hનથી આવતા, એ કયા ?” મેં કહ્યું : “exonerate.” બાપુ કહે : “ ના ના, એમાં તો ' h' છે જ.” મેં કહ્યું : “ નથી જ; એમાં મૂળ onus છે.” બાપુ કહે : " ના ના, એમાં honour મૂળ હોવું જોઈએ.” મેં કહ્યું : “ આમાં તો આપણે શરત કરીએ એમ છીએ. અને હું જીતવાનો છું.” ડિક્શનેરી કાઢી અને હું જીત્યો. પછી બીજો શબ્દ inexorable નીકળ્યો. એટલે રાજી થઈ કહે : " એમ લેટિન ધાતુઓ જાણવામાં બહુ અર્થ રહેલા છે. કોઈ પણ ધાતુ જાણે કે અનેક અપરિચિત શબ્દોના અર્થની ખબર પડે.” આજે સવારે 'ધન્ય’ શબ્દનો ધાતુ પૂછતા હતા. જેમ ' મન્ય', ‘ગણ્ય' એ મન અને ગણ્ ધાતુમાંથી છે તેમ જ 'ધન્ય’ ધન ધાતુમાંથી હશે ? તો ધનને અર્થ શો ?

१०-४-'३२ રવિવારે બાપુ ત્રણ વાગ્યે મૌન લે છે. એટલા માટે કે કોઈ અમલદારને મળવું કરવું હોય તો રવિ અને સોમ બંને દિવસે અમુક સમય તો દિવસના વાત કરવાનો રહે જ.

આજે ત્રણમાં બેચાર મિનિટ રહી હતી. એટલે વલ્લભભાઈ કહે : " હવે પાંચ મિનિટ રહી છે. તમારે જે સોંપણ, નોંધણ કરવી હોય તે કરી નાખો.” મેં કહ્યું : “ તમે તો જાણે વીલ કરવાનું કહેતા હોય તેમ ચાલો છો.' બાપુ કહે : “ લે ત્યારે કહી દઉ', કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે." એમ કહીને ખડખડાટ હસ્યા. એ પોતે કરેલા વિનોદ-ઉપર નહાતા હસ્યા, પણ એ તો એમને એક મધુરું સ્મરણ હસાવતું હતું. એ પોતે જ કહી બતાવ્યું : “બા બિચારી કહે, ' ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.' ” વલ્લભભાઈને ખબર નહોતી એટલે પૂછ્યું : “ કયારે ” ? " અરે, મને પકડવા આવ્યા ત્યારે જ તો. આંખમાંથી આંસુ પડે અને કહે :

૮૯