પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

' ભૂલચૂક માફ કરજો.' એને તો બિચારીને થઈ ગયું હશે કે હવે આ જન્મે મળ્યાં કે ન મળ્યાં, અને માફી માગ્યા વિના મરી ગયાં તો શું થશે ? ” સૌ ખડખડાટ હસ્યા.

ટોમસ હાર્ડીએ Some Crusted Characters (સમ ફ્રસ્ટેડ કૅરેક્ટર્સ) કરીને કેટલાંક પાત્રો ચીતર્યાં છે. એવું એક પાત્ર નાશિકમાં મળેલો બંગાળી રસોઈયો હતો. બર્મી, મદ્રાસી, અંગ્રેજી બોલે, સાતમી વખત સજા ખાઈને આવેલ. ધોબી હતો. હવે એ માળામાં અહીંનો સોમો ઉમેરાય છે. અમીર થવાને માટે પૈસા જોઈતા નથી, એમ એ સિદ્ધ કરી આપે છે. એ ઠાકરડો છે, ઘેર ભાગ્યે બે વીઘાં જમીન હશે. પણ એ અમીર છે. ચલાળાનો છે. ‘રૂ તો સારામાં સારું ચલાળાનું, તુવેરની દાળ તો ઉત્તમોત્તમ ત્યાંની, દાડમ તો ચલાળાનાં. ધોળકાનું તો મફતનું નામ પડ્યું છે; ધોળકાનાં દાડમ ! ધોળકાનાં દાડમ ! ધોળકામાં કયો દાડમ પકવનારો બેઠો છે ? એ તો છૂટીને ચલાળા આવું ત્યારે બતાવું કે ચલાળામાં કેવાં દાડમ થાય છે.’ ચલાળા પછી માનની જગાનો બીજો નંબર ગુજરાતનો આવે છે. ' આ મહારાષ્ટ્રમાં શું છે ? પથરા. ક્યાં આપણું ગુજરાત અને ક્યાં મહારાષ્ટ્ર ! જુઓને આ મારુતિ. વૉર્ડર થયો છે, ડફોળ જેવો છે. કેરી છીણવા ત્રણ વાર બેઠો પણ છીણી કેમ પકડવી એ હજી સમજતો નથી. એમની બોલી પણ કેવી ? ઇકડે તિકડે ! રસોઈ કરતાં મારી પાસે શીખ્યો પણ એ એમ નથી માનતો. તમે જ . કહો: કઢીમાં તે સાકર નંખાતી હશે ? ગોળ નંખાય. દાળ ન ઓગળે તો એમ નહીં કહે કે મારાથી સોડા ઓછો નંખાયો : વલ્લભબાપાએ સોડા ઓછો આલ્યા'તો !' રૂ સાફ કરવા બેઠો તો કહે : “આ તે રૂ ! આવા તે રૂને પીંજાતો હશે? આ તો હેમનો બળેલો રૂ છે. ૪-૫ રૂપિયાના ભાવનો. પીંજવાને માટે ફક્કડ રૂ આમ બરોબર જેંડવાં ફાટે ત્યારે દોહી લીધેલો જોઈએ. તેનાં કપડાં સારાં થાય, આનાં નહીં થાય. મેં ૬૦-૬૦ વાર વણવાની વરદી કરી છે જો ! ' ત્યાર પછી એમને વીશીના કામમાં મૂક્યા, બકરીના દૂધનું દહીં અમે કરીએ તે પોતે જ જુએ. ખાય પણ ખરો; પણ ગાયના દૂધનું જે દિવસે બનાવ્યું તે દિવસે અમે કહ્યું : આ દહીં વધારે સારું બંધાયું છે હોં ! તો એ કહે : ' ગધાડાના લેંડાએ તો પાપડ થતા હશે ? એ તો જેના થતા હોય તેના જ થાય.' દાડમની ખેતી વિષે અનેક વાતો કરે : ' તમારા આશ્રમમાં દાડમ થાય છે ?' મેં કહ્યું : સારાં નથી થતાં. તો કહે : ' ખેડ સારી નહીં કરતા હો. પાણી કેટલું આપો ? એની તો ખામણી કરવી જોઈએ. એની આસપાસ ક્યારા કરો, કેડ સમું પાણી ભરવું જોઈ એ.’ ઇત્યાદિ. પોતાનો ગુનો કબુલ કરે છે, એને માટે પસ્તાવો પણ થાય

૯૦