પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વલ્લભભાઈને સોંપ્યું. આકાશદર્શન ઉપર એક લાંબો ભવ્ય લેખ આશ્રમને માટે જો મોકલાય તેની નકલ કેંપ જેલમાં ને સ્ત્રીઓની જેલમાં વસતાં આશ્રમવાસીઓને મોકલવાની બાપુએ પરવાનગી મેળવી હતી. એટલે હવે એ લખાણની નકલ કરવાની વધી. એક નકલ કાલે મેં કરી હતી. પણ આજે બીજી કેંપ જેલને માટે કરવાની. હું કાંઈક કામમાં હતો. બાપુ જરા મૂંઝાયા. મેં તો રાત્રે એની બીજી નકલ કરીને સૂવાનો નિશ્ચય કર્યો હતો. મેં બાપુને કહ્યું પણ ખરું કે " હું નકલ કરી નાખીશ.” પણ બાપુ કહે : " વલ્લભભાઈ શા માટે ન કરે ? એમને જ સોંપીએ." વલ્લભભાઈ તુરત બેસી ગયા. કલાકેક એમને થયો હશે. મેં બાપુને કહ્યું : " જેમને એક કાગળ લખતાં પણ કંટાળો આવે તેમને આ કામ શા સારુ સોંપ્યું છે ? " બાપુ કહે : " થાકશે તો પડતું મૂકશે."

વલ્લભભાઈને માટે ખરેખર આ નવો અનુભવ હતો. એમને માટે 'અલ્પોક્તિ ’ ‘ અતંદ્રિત' એવા એવા શબ્દો અને વાક્યો અપરિચિત અને જડબાતોડ આવતાં હતાં. એ પૂછતા ગયા અને આગ્રહપૂર્વક પૂરું કરીને જ સૂવા ગયા ! વલભભાઈની ભલમનસાઈ તો ડગલે ને પગલે જોવાની મળે છે. અને જે પ્રેમથી બાપુને માટે એ ફળ સમારે છે અને દાતણ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ આવતાં દાતણ લેવા દોડે છે એ બધું એમની અપાર ભક્તિ સૂચવે છે. અને એ ભક્તિ શીખવાને માટે પણ એમના પગ આગળ બેસવાને પ્રેરે છે.

હીરાલાલ શાહના કાગળનો આ રોજનીશીમાં ઉલ્લેખ આવી ગયો છે. કેટલીક બાબતમાં અમુક અર્થ બેસાડવાની ગુરિકિલ્લી એમને મળી ગઈ છે, એમ એમણે એ કાગળમાં જણાવેલું. અને આકાશદર્શન વિષે બીજી જે કાંઈ વસ્તુ કે પુસ્તક જોઈએ તે મોકલવાનું લખેલું. બાપુએ એમને એક કાગળ હાથે જ – ડાબે હાથે લખ્યો :

“ ભાઈશ્રી હીરાલાલ,

" તમારાં પુસ્તકો અને તમારો પ્રેમાળ કાગળ મળ્યાં છે. એક અઠવાડિયું મોડાં મળ્યાં કેમ કે ડાહ્યાભાઈ ભૂલી ગયા હતા. પુસ્તકો ઉપયોગી થઈ પડશે. તમારો કાગળ અને મારી નોંધો ઉપયોગમાં વધારો કરશે. તમે માનો છે એટલો મને લાભ નથી. એટલું સામાન્ય જ્ઞાન મેળવી લેવા ઈચ્છું છું કે જેથી હું આકાશમાં ઈશ્વરને વધારે સારી રીતે જોઈ શકું. તમને ઠીક લાગે એવી ખગોળવિદ્યાની નાનકડી ચોપડી મોકલજો. તમારાં પુસ્તકોનું જતન કરીશ. તેને વિષે તમે રાખેલી કાળજી હું જોઈ ગયો છું. એવાં પુસ્તકા એકાએક મિત્ર પાસેથી નથી લેતો. રખેને ખોવાય અગર બગડે તો !

૯૩