પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાલ્યાં કરે તો ભગવાનના પાડ. જિદગીના એકેય દિવસ અથવા એકે ઘડી આળસમાં ન જાય તો એકે વાર-પર્વ ખાસ પાળવા જેવું ન રહે.

સરૂપરાણી નેહરુને થયેલી ઈજાના સંબંધે પોલીસે એ ઈજા કરી છે એમ માનવાની બાપુએ ના જ પાડી હતી. બે ત્રણ અનુમાનો રજૂ કર્યા હતાં. આજે સરૂપરાણીએ પોતે જાહેર કર્યું છે કે પોલીસનો જ માર હતો. એ જાણીને બાપુ ઊકળ્યા છે. " લાલાજીની ઉપરનો માર જાણીબૂજીને નહોતો પડ્યો, છતાં તેના ઉપર દેશ કેવો ખળભળી ઊઠ્યો હતો. આ માર તો જવાહરલાલની માતા ઉપર અને જાણીબૂજીને જ પડ્યો હશે ને ! છતાં દેશમાં કાંઈ પુણ્યપ્રકોપ નથી દેખાતો, ' લીડરે' પણ કશું લખ્યું નથી ? " આ ઉ૬ગાર બાપુએ કાઢ્યા. વલ્લભભાઈ કહે, " ખળભળાટ કરનારા બધા આપણે અંદર બેઠા. 'લીડરે' લખ્યું છે તે દમ વિનાનું લખ્યું છે. " બાપુ કહે : " પણ લખ્યું છે ખરું ?" " લખ્યું છે પણ તે વાંચીને શું કરવું છે ? " બાપુ કહે : " નહીં, વાંચી સંભળાવો. " સાંભળીને તેમને ઠીક અસંતોષ થયો. કહ્યું : " એને તો સમતોલ મગજવાળાનો ઇલકાબ મળ્યો છે ને ! આજે જ સવારે પેલા જર્નેલિસ્ટે કહેલું આપણે વાંચ્યું હતું ના કે ‘હિંદુ' અને ' લીડર' એ બે છાપાંનાં લખાણ ઠરેલ લખાણ કહેવાય ? " બિનરાજદ્વારી સાથીઓની મુલાકાત વિષે માર્ટિનને આજે કાગળ લખ્યો.

સુપરિન્ટેન્ડન્ટની સાથે વાત કરતાં ઈસ્લામને વિષે વાતો થઈ. બાપુએ કહ્યું કે " ઇસ્લામમાં જે ઉદારતા હતી, જે સહિષ્ણુતા હતી તે હનફીવાળાઓએ ધોઈ નાખી. કુરાનની બીજી બધી પ્રતોનો નાશ કરીને એક જ રાખી. અને એ છતાં એ લોકો અભિમાન ધરાવે છે કે કુરાન જ એક એવું પુસ્તક છે. કે જેમાં પાઠફેર જેવું છે જ નહીં. બીજા બધાનો નાશ કરો તો પાઠફેર રહે શેનો ? પણ ઈસ્લામમાં જે હજરત ઉમરની ઉદારતા છે તેના જેવા દાખલા તો જગતમાં ક્યાંક ક્યાંક મળે પણ તેના કરતાં ચઢે એવા દાખલા તે ન જ મળે. અને અસહિષ્ણુતા છતાં ખ્રિસ્તી ધર્મને નામે જે ખુનામરકી ચાલી છે અને જેટલાં લેાહી રેડાયાં છે તેટલાં ઈસ્લામને નામે તો નથી જ રેડાયાં."

१४-४-'३२ બસ, હવે બાપુએ રોજના ૫૦૦ વાર કાંતવાનો નિશ્ચય કીધો લાગે

છે. આજે ઠીક તાણ પડી. મુલાકાતમાં સારી પેઠે સમય ગયો. કૅમ્પમાંથી મોહનલાલ ભટ્ટ, ધુરંધર અને મણિભાઈ દેસાઈ આવેલા અને રાજકોટથી અબીબહેન, મનુ, કુસુમ દેસાઈ વગેરે આવેલાં. પણ વધારે સમય તો . . .ની સાથે ગયો. સુપરિન્ટેન્ડન્ટની સાથે વાત કરતાં તેમણે જ ખબર આપી કે . . . છ

૯૫