પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
મહાન સાધ્વીઓ

કરી શકતી નહોતી; કારણ કે એ વખતે હું ઈશ્વરના કરતાં શયતાનની પાસે રહેવાને વધારે લાચક હતી. એવું છતાં પણ હું આશ્રમવાસિનીઓ સાથે બેસીને ઈશ્વરપ્રાર્થના કરતી; એ મારે માટે એક પ્રકારનું કપટ નહિ તો બીજું શું હતું? હવે તો મને એ બાબતનો વિચાર આવતાં પણ ઘણું દુઃખ થાય છે કે, મારા એ કપટને પણ લોકો તો ધર્મજ ગણતા હતા ! ! ”

ટેરેસાનું જીવનચરિત્ર લખનાર સન્નારી લખે છે કે “ એમનું એ સમયનું આત્મચરિત્ર વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, ટેરેસા સંન્યાસિની અને કુમારીવ્રતધારિણી હોવા છતાં પણ કેાઈ પુરુષના પ્રેમથી આકર્ષાયાં હતાં; પણ એ વખતે એમની વિવેકબુદ્ધિએ ચેતવી દીધાથી એ ખૂબ સાવધાન થઈ ગયાં હતાં; અને લૌકિક પ્રેમનો તેમના હદય ઉપર અધિકાર જમાવવાની સગવડ મળી નહોતી. સંભવ છે કે, એમણે પોતાની પ્રબળ ઇચ્છાશક્તિનો ઉપયોગ કરીને એ માનવપ્રેમના અંકુરને ઉખાડીને ફેંકી દીધો હશે.” ટેરેસા પિતાના આત્મચરિત્રમાં એક સ્થળે લખે છે કે :-

" અનેક અન્યાયી કાર્યોમાંથી ઈશ્વરે પોતે હાથ પકડીને મને બચાવી છે. મારા કોઈ પણ કામને લીધે આશ્રમવાસિનીઓના પવિત્ર નામને કલંકિત કરવું તેને હું અતિશય અયોગ્ય કામ ગણતી હતી; છતાં ખરું જોતાં એ પણ મારે માટે કેવી આત્મપ્રતારણા જાતની સાથે છેતરપિંડી હતી ? મેં જે કાંઈ કર્યું હતું તેટલાથીજ શું આશ્રમની મર્યાદા સચવાઈ હતી ? હા, મારૂં પાપ તો હતું જ; પણ તે એવા પ્રકારનું નહોતું કે જેથી લોકો આશ્રમને તુચ્છકારી કાઢે.”

એ સમયમાં ટેરેસાના પિતા માંદા પડયા. પિતાની સેવાચાકરી કરવા સારૂ એ ઘેર પાછાં ગયાં. પિતાની પ્રત્યે તેમનો જે અતિશય પ્રેમ હતો તે જરા પણ ઝાંખો પડયો ન હતો એટલે જીવ દઇને એમણે પિતાની ચાકરી કરવા માંડી. પિતાની કેવળ સેવાથીજ તેમને સંતોષ થયો નહિ. તેમના રોગથી કંટાળી ગયેલા અંતઃકરણમાં પુત્રીએ ધર્મભાવની પણ સ્ફ્રુરણા કરી. ઈશ્વરના હાથમાં આત્મસમર્પણ કરીને તેમના પિતા રોગની દારુણ વેદના શાંતચિત્તે અને વીલું મોં. કર્યા વગર સહન કરવા લાગ્યા, અને વખત આવ્યે ઇશ્વરના મંગળ નામનો જપ કરતા કરતા મૃત્યુને ભેટવા સમર્થ થયા.

ટેરેસાના મનમાંથી એક મોટી ચિંતા ઓછી થઈ, પરંતુ તેમના અંતરમાં સંગ્રામ તો એવો ને એવોજ ચાલવા લાગ્યો.