પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
સાધ્વી ટેરેસા

વિષે તેઓ પોતે લખે છેઃ “ઈશ્વરેચ્છા અને ઈશ્વરાજ્ઞા પ્રમાણે વર્તી શકાય એટલા સારૂ મેં ઈશ્વરના હાથમાં આત્મસમર્પણ કર્યું. એ ઉપરાંત વિદેહમુક્ત સાધુ પુરુષો પાસે હુ શક્તિની ભિક્ષા માગવા લાગી કે, એમની સહાયતાથી હું ઈશ્વરનું ખરું તત્ત્વ પામી શકું. મારાં બે વર્ષ તે માત્ર એવી પ્રાર્થનામાંજ નીકળી ગયાં.”

ટેરેસા જે જે પ્રાર્થના કરતાં તે બધી લખી રાખવામાં આવી છે. એ હૃદયસ્પર્શી પ્રાર્થનાઓ વાંચ્યાથી તેમની આધ્યાત્મિક અવસ્થા ઉત્તમરૂપે જણાઈ રહે છે. અમે અહીંઆં એ પ્રાર્થનાઓમાંના કેટલોક ભાગ નીચે ઉતારીએ છીએ. પ્રસિદ્ધ વિદ્વાન અને ભક્ત કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે પેાતાના ભક્તવાણી ગ્રંથમાં ટેરેસાની એ પ્રાર્થનાઓને સ્થાન આપ્યું છે.

“હે પ્રભુ ! પ્રત્યેક દિવસની પ્રત્યેક ક્ષણે મારું હૃદય તમારા પવિત્ર પ્રેમથી પરિપૂર્ણ થાઓ. હે અવિનશ્વર ! મારા હદયનો પ્રેમ તમારામાંજ જઈને વસે કે જેથી કેાઈ ક્ષણભંગુર મર્ત્ય પદાર્થ એને વિચલિત કરી શકે નહિ. તમારા મેળાપ સિવાય બીજું જે કાંઈ છે તે વિવેકી જીવાત્માને તો કંટાળોજ ઉપજાવનાર અને દુ:ખજનક છે. દુનિયાની સારામાં સારી વસ્તુ પણ તેની કોઈ આકાંક્ષા તૃપ્ત કરી શકતી નથી; પણ ઉલટી તેને વધારે વ્યાકુળ, લોભી અને ઉત્તેજિત કરે છે. હે પરમેશ્વર ! કેવળ તમારા મિલનથીજ-માત્ર આપને પામવાથીજ-એ અભાવ-એ આકાંક્ષા સદાને માટે અને પૂરેપૂરી દૂર થાય છે, અને હૃદય શાંતિ પામે છે. આપ હૃદયેશ્વર પરમાત્મદેવના અનુપમ સૌંદર્યે બધાંજ પાર્થિવ સૌંદયને હરાવીને ઝાંખાં કરી નાખ્યાં છે, એના સિવાય હવે બીજા કશાથી મારું વ્યાકુળ હૃદય તૃપ્ત થઈ શકતું નથી, હે પ્રભો ! કોઈ દિવસ હૃદયદ્વાર ઉઘાડું જોઈને કોઈ તુચ્છ ભાવ એમાં પ્રવેશ કરી જાય, ત્યારે હું હૃદયમાં છુપાઈ રહેલા સર્વજ્ઞ- સર્વશકિતમાન-દીનાનાથ ! તમારા અનુપમ સૌદર્યમાં મારી વૃત્તિને ડૂબાડી દેજો કે જેથી બધી ભ્રાંતિનો નાશ થઇ જાય.”

આ પ્રમાણે પ્રાર્થના અને ધ્યાન કરતાં થકાં ટેરેસા ધર્મરાજ્યના બીજા પગથીઆ ઉપર ચઢવા લાગ્યાં. તેમના હૃદયમાં એક સ્વર્ગીય પ્રેમના આવિર્ભાવ થયો. એ પ્રેમની શક્તિ ફક્ત તેમના અંતરમાંજ પ્રગટ થતી એવું નહોતું; શરીરમાં પણ પ્રભુ પ્રેમની આશ્ચર્યકારક ક્રિયા એ અનુભવતાં. પ્રભુ પ્રેમ વિજળીની પેઠે