પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
મહાન સાધ્વીઓ

ટેરેસાના હૃદયને સ્પર્શ કરતો, અને તેથી તેમનું આખું શરીર રોમાંચિત થઈ જતું. પ્રભુ પ્રેમમાં ડૂબી જઈને એ ગાઈ ઉઠતાં કે:-

"મારા હૃદયને જાણે એક ધક્કો લાગ્યો છે. ઈશ્વર જાણે મારા હૃદયને સ્પર્શ કરીને આ શરીરમાં કંપારી ઉપજાવી રહ્યા છે. એ ધક્કો જાણે મને મૃત્યુની તરફ લઈ જઈ રહ્યા છે. પરંતુ એ મૃત્યુમાંજ હું જીવન પ્રાપ્ત કરી રહી છું "

ટેરેસાએ ઈશ્વરપ્રેમ મેળવ્યો, તેમનું ચિત્ત પવિત્ર થયું અને હદય અમૃતથી ભરાઈ ગયું; પરંતુ એટલાથી એ તપસ્વિનીને તૃપ્તિ કેવી રીતે વળે ? એમણે તો સાધનાના માર્ગે ઉતાવળાં ચાલવા માટે પ્રથમ કરતાં પણ વધુ તપસ્યા કરવા માંડી; શરીર રહેવાનું હોય તો રહે નહિ તો પડે, પણ જીવનમાં પૂર્ણતા તો મેળવવીજ; એ એમનો દઢ સંક૯પ હતો. એ સંક૯પની વાત સાંભળી બીજી સંન્યાસિનીઓ કહેવા લાગી કે, ટેરેસા જે વ્રત પૂરું કરવા માગે છે તે ઘણુંજ કઠણ છે.

પરંતુ બળવાન સાધ્વી ટેરેસાએ તે કઠોર વ્રતનો પ્રયત્ન પૂર્ણ બળથી ચાલુ કર્યો. એ વ્રત પૂર્ણ કરવાને એમણે પાંચ વર્ષ સુધી કઠણ તપસ્યા કરી હતી. છેવટે તેમના આચાર્ચે એ વધારા પડતુ કઠોર વ્રત અને દેહદમન તજી દેવાની તેમને સલાહ આપી. હવે તેમણે વધારા પડતા દેહદમનને છોડી દીધું, અને મુખ્યત્વે પ્રભુકૃપા ઉપર આધાર રાખીને ધ્યાન, પ્રાર્થના અને નામ સ્મરણ કરવાનું આરંભ્યું એ સાધનાથી તપસ્વિનીની ઉંચા પ્રકારની આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરવાની લાંબા વખતની અભિલાષા પૂર્ણ થઈ, એમનું સાધ્વીજીવન સફળ થયુ-કૃતકૃત્ય થયું.

સાધ્વી ટેરેસાએ પોતાના એ ધર્મસાધન તથા ધર્મજીવનની ગૂઢ કથા આત્મચરિત્રમાં લખી રાખી છે, તેમાંનો થોડોક સારાંશ નીચે ઉતારીએ છીએઃ-

"મારૂં હદય એક બગીચો છે. ઈશ્વર એ ઉદ્યાનના સ્વામી છે. મારા હૃદયોદ્યાનમાં કાંટાનાં જે ઘણાં ઝાડ ઉગી નીકળે છે, તેને ઉખાડી નાખીને ઉત્તમ છોડવાઓને વારિસિંચન કરવાથીજ એમાં સુગંધીદાર સુંદર પુષ્પો ખીલી નીકળે છે. અને તેમ થાય છે ત્યારેજ પવિત્રતાના સાગરરૂપ પરમાત્મા એ હદયોદ્યાનમાં છૂટથી અને નિરાંતે વિહાર કરે છે. "

× ××