પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
સાધ્વી ટેરેસા

મારી વ્યવસ્થા કરો.”

તપસ્વિની ટેરેસાએ કોઈ ગ્રંથ વાંચીને અથવા તો કોઈ આચાર્યના ઉપદેશ સાંભળીને આટલી બધી ચિત્તાકર્ષક ધર્મકથા લખી નહોતી; સાધના દ્વારા એમને જે કાંઇ સમજાયું હતું, ધ્યાનદ્વારા જે કાંઇ જણાયું હતું, અંતરાત્મામાં જે કાંઇ શુભ સંપત્તિ પ્રાપ્ત થઈ હતી, કે જેનો ઉપભોગ કરવાથી તેમનિ વાસનારૂપી અગ્નિ હોલવાઈ ગયો હતો અને માનવજન્મ સફળ-કૃતકૃત્ય થયો હતો; તેજ વાતો કશો પણ ઢોળ ચઢાવ્યા વિનાની સાદી અને હૃદયસ્પર્શી ભાષામાં લખી રાખી છે. તેમના એ ઉદ્ ગારોને વાંચવાથી આપણને સ્પષ્ટ જણાય છે કે, સાધ્વીશિરોમણિ ટેરેસા ખરેખર ઉત્તમોત્તમ અવસ્થાએ-સિદ્ધ દશાએ પહોંચ્યાં હતાં.

૬-કર્મ

પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ ધર્મવૃક્ષનાં ફૂલ છે, અને સેવાકર્મ એ તેના ફળરૂપ છે; તેથીજ મનુષ્યના ઉન્નત ધર્મજીવનમાંથી પુણ્યકર્મની આકાંક્ષા જાગ્રત થાય છે. જે કોઈ ધર્મસાધના કરીને પ્રભુ પ્રેમમાં ડૂબી જાય અને તેના ચરણમાં જીવનનો ઉત્સર્ગ કરે તો શું દુનિયાનાં દીનદુઃખી અજ્ઞાની પ્રાણીઓના કલ્યાણ માટેનાં કાર્ય નહિ કરતાં માત્ર પેાતાનોજ સ્વાર્થ સાધીને સંતોષ પામી શકે ?

તપસ્વિની ટેરેસાએ સાધના સાધીને સિદ્ધિ મેળવ્યા પછી હવે ઈશ્વરનો આદેશ સાંભળીને અને તેની સેવિકા બનીને, જગતનીકોઈ મહાન સેવા કરવાને તેમનું હૃદય, આકુળવ્યાકુળ થવા લાગ્યું.

કર્મ ની બાબતમાં પણ સંન્યાસિની ટેરેસાનો એક ખાસ મત હતો, તેનો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. એ કહેતાં કે, માણસનાં બહારનાં કર્મથી પણ તેનો આંતરિક ભાવ સમજી શકાય છે. ઉપલકિયા ધર્મ જ્ઞાન અથવા પોથાંપાંડિત્ય તો માત્ર મનમાંજ આવીને અટકે છે; આચરણની બાબતમાં એવા મનુષ્ય ઉપરથીજ પુરુષ જેવો વેષ પહેરનારા નપુંસંકના જેવા હોય છે. સાધ્વીજી એ વિષે લખે છે કે :-

‘‘પ્રાર્થના ગમે તેટલી સુંદર કેમ ન હોય, પણ તેની સાથે જો કર્મનો યોગ ન હોય તો તે કદી સર્વાંગ સુંદર અને સંપૂર્ણ થઈ શકે નહિ. હાય ! કર્મહીન ભક્તિની વિહ્વળતા, પ્રેમનો પ્રભાવ, સંગીતનો મોહ, પૂજાનો ઉપચાર, બહારનો આડંબર એ બધું વ્યર્થ છે. પરાભક્તિથી ગદગદ્ થઈને એકાગ્રચિત્તે પરમાત્મદેવની