પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

કાંઈ જોન ઑફ આર્ક નહોતી. યુવાન છતાં તે પરમ આસ્તિક અને અડગ શ્રદ્ધાવાન હતી. તેના ઉપર શત્રુઓ તરફથી ગુજરેલા સીતમ વાંચતાં કોઈ પણ માનવપ્રાણીનું હૃદય કંપી ઉઠ્યા વિના રહે તેમ નથી; છતાં તે અપાર વેદનાને અડગ શ્રદ્ધાથી ખમનાર દેવી જોન ઑફ આર્ક ! તમારૂં જીવન સર્વ દેશ અને કાળમાં વંદનીય છે. તમારા જેવાં સ્વાર્થ ત્યાગના અતિ દુર્લભ આદર્શભૂત જીવનોને “વિદેશી” કહી અનાદરની દૃષ્ટિએ જોનાર જીવાત્માઓ પર પ્રભુ કૃપા કરે.

વાચક ! શું આવાં અસામાન્ય જીવન તને પસંદ છે ? ભારતવર્ષમાં અનેકવિધ અસામાન્ય ગુણસંપન્ન માનવરત્નો પેદા થવાની આવશ્યકતા શું તું સમજી શકે છે? જો હા, તો તે વિચારને તાજા રાખનાર આવાં દેશ વિદેશનાં જીવનચરિત્રાને હમેશાં વંદન અને પઠન કરતાં શીખ અને તારાં બચ્ચાંને શીખવ. વળી ભવિષ્યમાં પણ એવાં અસામાન્ય સંતાન પેદા થવાની આકાંક્ષા તું પેાતે ધારણ કરજે; અને ઘરની સ્ત્રીને પણ ધારણ કરાવજે. તારા પ્રત્યેક સંતાનની ગર્ભાવસ્થામાં તેની માતાને આવાં આવાં ઉત્તમોત્તમ જીવન વંચાવવાં અથવા શ્રવણ કરાવવાં અને તેમાંથી તે સ્ત્રીને જે ચરિત્ર અત્યંત પસંદ પડે તેનું વાચનું-શ્રવણ નિત્યનિયમની પેઠે રખાવવું જોઇએ; તેમજ પોતાને ત્યાં તેવું બાળક અવતરવા શ્રદ્ધાપૂર્વક નિત્યપ્રતિ પ્રભુપ્રાર્થના કરવી જોઇએ.

આ ખાતા તરફથી નીકળતાં પુસ્તકમાં એક મુસ્લીમ બંધુને હાથે લખાઈને નીકળતુ પુસ્તક આ પહેલુંજ છે. તેના લેખક રા. હાસમ હીરજી ચારણિયા એક સારા ખોજા કુટુંબના હોઈ સારી ઉમેદથી ભરેલા ઉછરતા યુવક છે. આ પુસ્તક તેમણે અંગ્રેજી ઉપરથી શ્રમપૂર્વક તૈયાર કરીને આ સંસ્થાને પ્રકટ કરવા આપ્યું, તે બદલ આ સંસ્થા તેમજ વાચકવર્ગ તરફથી તેમનો સપ્રેમ ધન્યવાદ છે.

વિ. સ. ૧૯૭૧ કાર્તિક
ઈ. સ. ૧૯૧૪ નવેમ્બર
ભિક્ષુ અખંડાનંદ
}