પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
મહાન સાધ્વીઓ

દેશના એ બધા સંરક્ષક દળના લોકોએ ટેરેસાનો વિરોધ કરવા સારૂ એક દિવસ ગંજાવર સભા ભરી હતી. પરંતુ એ સભામાં એક વિચારશીલ યુવકના ભાષણથી બધું કામકાજ ઢીલું પડી ગયું હતું. ટેરેસાનો પક્ષ લઈને તે એવું તેજસ્વી ભાષણ કરતો કે સભામાં જાણે અગ્નિ વરસી રહ્યો હોય એવું લાગતું. કોની હિંમત હતી કે એ યુવકની દલીલનું ખંડન કરીને તેની વાતનો જવાબ આપે ?

તેજસ્વિની સાધ્વી ટેરેસાએ હજારો વિઘ્નો હોવા છતાં પણ પોતાના સંક૯પને વજ્રની મુઠ્ઠીમાં ધારણ કરીને, પોતાના ઉચ્ચ આદર્શને અનુરૂપ એક આશ્રમની સ્થાપના કરી. ચાર સંન્યાસિનીઓએ તે આશ્રમમાં દાખલ થઈને નવી રીતથી કામ કરવા માંડ્યું. એમનાં ચિત્ત સત્ય અને ધર્મનાં પિપાસુ હતાં; એટલેજ માણસોના ગુસ્સા તથા નિંદાની જરા પણ પરવા ન કરતાં કેવળ ઈશ્વરની તરફ જોઈને તેઓ ટેરેસાનાં સંગી બન્યાં હતાં. એમના નૂતન આશ્રમમાં કેવા કેવા નિયમો રચવામાં આવ્યા હતા તે પણ થોડુંક કહીશુ.

(૧) જેઓ આશ્રમમાં પ્રવેશ કરશે તેમની પોતાની કોઇ સંપત્તિ રહેશે નહિ, બધી માલમત્તા આશ્રમનીજ ગણાશે. આશ્રમવાસીઓ માંસાહાર કરી શકશે નહિ. તેમણે સસ્તાં અને જાડાં વસ્ત્ર પહેરવાં પડશે. અને માથાના વાળ ઘણાજ આછા કરાવવા પડશે.

(૨) આશ્રમવાસી સ્ત્રીઓએ સવારમાં છ વાગ્યે પથારીમાંથી ઉઠવું પડશે. પછી આઠ વાગ્યા સુધી ઉપાસના થશે. આહારના સમયનો કાંઈ નિયમ નથી. ઈશ્વરકૃપાથી આશ્રમમાં ભોજનની સામગ્રી આવી મળશે ત્યારે ઘંટ વાગશે અને બધી સંન્યાસિનીઓ આહાર કરશે. ખોરાક ઘણોજ સાદો હશે. ભોજન કર્યા પછી એક કલાક વિશ્રામનો મળશે. બે વાગ્યે બધી સંન્યાસિનીઓ એકત્ર થઈને ધર્મગ્રંથોનો પાઠ કરશે. છ વાગ્યે છેવટની પ્રાર્થના કરશે.

(૩) આશ્રમનું સૂત્ર આ રહેશેઃ- 'જોકોઈ કામ ન કરે તો તેણે આહાર કરવો એ ઉચિત નથી. ”

(૪) આશ્રમવાસિનીઓએ ધન પ્રત્યે કેાઈ પ્રકારની આસક્તિ રાખવી નહિ. સ્વાર્થ ત્યાગ અને વૈરાગ્ય એ બેજ આશ્રમના મૂળમંત્ર છે. ચોથા નિયમ વિષે ટેરેસાએ લખ્યું છે કે:- “ધનાદિકનો અસંગ્રહ, વૈરાગ્ય અને સ્વાર્થ ત્યાગ, એ ત્રણ વાનાં મનુષ્યની અમૂલ્ય સંપત્તિ છે. જે લોકો એ સંપત્તિના અધિકારી છે તેજ અન્ય મનુષ્યો પર પ્રભાવ પાડી શકે છે. x x x  હું મારા પિતાના અનુભવથી જોઈ