પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
મહાન સાધ્વીઓ

નજર પણ ન કરતાં, ઉતાવળે પગલે પોતાના આદર્શ તરફજ આગળ વધવા માંડ્યું. છેવટે ઉન્નત ધાર્મિક જીવન, શુદ્ધ બુદ્ધિ અને પ્રબળ માનસિક શક્તિદ્વારા ટેરેસાએ સ્પેન દેશમાં જાદુઈ અસર કરવા માંડી. એ અસરને લીધે અનેક ધનવાન લાકો એ આશ્રમને સારૂ પુષ્કળ ધન આપવા માંડયું; જ્ઞાની લોકોએ પોતાના કામથી સહાય કરવા માંડી; ધાર્મિક લોકોએ તેમણે સ્થાપેલા આશ્રમમાં પ્રવેશ કરવાનું આરંભ્યું સંન્યાસિની ટેરેસાએ એકલાં સોમાણસના જેટલી શક્તિથી પ્રબળ ઉત્સાહપૂર્વક એ મહત‌ કાર્યને પાર ઉતારવા માંડયું. તેમનું જીવનચરિત્ર લખનાર બાઈએ એ બધાં કામોનો ઉલ્લેખ કરીને થોડા જ શબ્દોમાં એ કર્મનિષ્ઠ સાધ્વી નું સુંદર ચિત્ર આલેખ્યું છે. એનો મર્માનુવાદ આ પ્રમાણે છેઃ-

“ટેરેસા વીર સાધ્વી હતાં. તેમના ચરિત્રમાં ભિન્ન ભિન્ન ગુણોનો સમાવેશ થયો હતો. એ જયારે ધ્યાનમગ્ન થઈ જતાં ત્યારે તેમના અંતરમાં પુષ્કળ આનંદ વ્યાપી રહેતો. સંસારના કોઈ કાર્યમાં જ્યારે એ હાથ ઘાલતાં, ત્યારે સૂક્ષ્મ બુદ્ધિ અને અસાધારણ શક્તિદ્વારા તેને એવી સરસ રીતે પાર ઉતારતાં કે ભવિષ્યમાં છેતરાવાનો ડર રહે નહિ. ટેરેસાના સંબંધમાં એવું કહી શકાશે કે, ધ્યાનની વખતે એમના અંતઃકરણમાં જે વિચાર અને ભાવના તરંગો ઉઠતા હતા, તેજ તરંગોને લઈને એ મનુષ્યોની સેવા કરવા પ્રવૃત્ત થતાં અને મોટા કામમાં હાથ ઘાલતાં. એજ ગુણને લીધે એ બધાં કામને ઉત્તમ રીતે સાધી શક્યાં હતાં.

૭-જીવનનો પ્રભાવ

જે લોકો તપસ્યાદ્વારા પુષ્કળ આધ્યાત્મિક શક્તિનો સંચય કરીને એ શક્તિદ્વારા હજારો જનોનું કલ્યાણ કરી શકે છે, એવા મનુષ્ય આગળ દુનિયા વહેલે મોડે મસ્તક નમાવ્યા વગર રહેતી જ નથી. સ્પેન દેશના કેટલાએ લોકો તપસ્વિની ટેરેસાના કામના વિરોધી થયા હતા, પરંતુ મનુષ્યના મનમાં કેવું આશ્ચર્યકારક પરિવર્તન થાય છે ! હવે કેટલાંયે સ્ત્રીપુરુષો તેમને દેવી ગણીને તેમના ચરણ આગળ ભક્તિપુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યાં. કેટલાએ ધનવાનો અને જ્ઞાની પુરુષો તેમનો ધર્મોપદેશ સાંભળીને ઉપકૃત થવા લાગ્યા. એમના કોઈ પણ શુભ કાર્યમાં પૈસાની મદદ આપવાથી પુણ્ય થયું એવી ખાત્રીથી લોકોના મનમાં વિશેષ સંતોષ થતો હતો. ટેરેસાએ હવે સ્પેન દેશમાં ઠેકાણે ઠેકાણે