પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
સાધ્વી ટેરેસા

આશ્રમો સ્થાપીને નાના પ્રકારનાં મહાન કાર્યો કરવા માંડ્યાં. છતાં પણ એમને ધનનો અભાવ કોઈ દિવસ નડ્યો નહિ. ટેરેસાએ કોઈ સારું કામ કરવાનો દૃઢ સંક૯પ કરતાંજ એની ખબર વાયુવેગે ધનવાન લેાકોમાં પ્રસરી જતી, અને જાદુગરના મંત્રથી વશ થઈ ગયા હોય તેમ તેઓ તેમને જોઈતા ધનની સગવડ કરી આપતા.

સંન્યાસિની ટેરેસાનાં સત્કાર્યો સારૂ કેટલા એ મોટા મોટા લોકો એમને પૈસાની મદદ આપતા, પરંતુ એ પોતે એ લોકોનું મન મનાવવા માટે કદી પણ પોતાના આદર્શને હલકો પડવા દેતાં નહિં કે પોતાના વિચારોના કોઇની ખાતર ત્યાગ કરતાં નહિં. એ મહાન સાધ્વીએ પોતાના ચારિત્રના માહાત્મયથી પેાતાને સારૂ એક એવા ઉંચા આસનની રચના કરી હતી કે ખુદ સ્પેન દેશના બાદશાહ પણ તેમને એ આસન ઉપરથી નીચે ઉતારી શક્યા નહિ. બાદશાહે જયારે પણ કોઈ અન્યાયી કામ કરતો, ત્યારે એ તેજસ્વિની નારી નિડર થઈને તેનો વિરોધ કરતાં. એમના એ સાહસને લીધેજ બાદશાહ એમનાથી બ્હીતા અને ભકિત દર્શાવતા.

જે લોકો ટેરેસાને અઢળક ધનનું દાન કરતા તે લોકોજ જ્યારે કોઈ ગેરવ્યાજબી કાર્યો કરવા લાગતા, ત્યારે ટેરેસા કેવા સાહસથી એમની વિરુદ્ધ ઉભાં થતાં, તે બતાવવા અમે એક પ્રસંગનું વર્ણન કરીશું. સ્પેન દેશના કોઈ એક જમીનદારની સ્ત્રી ઘણીજ સુંદર હતી. સ્વામીના ઉપર તેની અત્યંત પ્રભાવ હતો. તેને એક નાનીશી રાણી કહીએ તોપણ અતિશયોક્તિ‌ ગણાશે નહિ; કારણ કે તેના સ્વામીનો માનમરતબો સ્પેનના ખુદ બાદશાહથી બીજાજ નંબરનો હતો. એ સ્ત્રીના મનમાં એકાએક એ વિચાર સ્ફૂરી આવ્યો કે, મારે એક મોટો આશ્રમ સ્થાપવો. એથી મારી કીર્તિ અમર રહી જશે; લોકો ખૂબ વાહવાહ કરશે. એ સમયમાં આખા દેશની સંન્યાસિનીઓમાં ટેરેસાની ઘણી જ ખ્યાતિ હતી. એટલે એ ધનવાન જાગીરદારની સ્ત્રીએ એમનીજ દેખરેખ નીચે એક મોટા આશ્રમની સ્થાપના કરી. એ આશ્રમમાં તે બાઈના પૈસા પાણીની પેઠે ખર્ચાયા. થોડા દિવસ પછી એ બાઈના પતિનો દેહાંત થવાથી વૈધવ્ય દશામાં તેણે પોતે પણ એજ આશ્રમમાં પ્રવેશ કર્યો. પરંતુ એ ધુની બાઈની કેટલીક ગેરવર્તણું ક જોઈને આશ્રમવાસી બાઈઓ બહુ આશ્ચર્ય પામી. એ બાઈ આશ્રમની અંદર રહ્યા છતાં પણ પોતાનાં બધી જાતનાં સુખની વાસના તૃપ્ત કરવા માગતી હતી.