પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
સાધ્વી ટેરેસા

રાજમાર્ગે થઈને જવાના છે, એવી ખબર બહાર પડતાંજ શહેરના એ માર્ગની બંને બાજુ લોકોની અત્યંત ભીડ જામતી. ગરીબ, તવંગર, બાળક, વૃદ્ધ-સૌ કેાઈ તેમનાં દર્શન કરવા તથા તેમના આશીર્વાદ મેળવવા સારૂ રસ્તામાં જઈને ઉભાં રહેતાં. પુષ્કળ લોકો તપસ્વિનીની ગાડીની સાથે સાથે દોડતાં. તેમની શક્તિ ઉપર લોકોનો વિશ્વાસ જાગ્યો હતો. વિલાનિઉવા શહેરમાં ઘણા દિવસથી વૃષ્ટિ થઈ ન હતી. ટેરેસા એકાએક એ સ્થાને જઇ પહોંચ્ચાં અને ત્યારપછી પુષ્કળ વરસાદ થયો. બધા લોકો એમજ માનવા લાગ્યા કે, આ પુણ્યશીલા નારીની અમારા નગરમાં પધરામણી થવાથીજ આટલા બધા દિવસે પછી વરસાદ થયેા છે.

ટેરેસાનું જીવનચરિત્ર લખનાર સન્નારી કહે છે કેઃ- “ સાધ્વી ટેરેસાને દેશના લોકો તરફથી જે પ્રકારનો આદર અને ભક્તિ પ્રાપ્ત થયાં હતાં, તેટલી શ્રદ્ધા અને ભક્તિ સ્પેન દેશના લોકોએ રાજા ફિલીપ અને તેના મુખ્ય સેનાપતિ ઉપર પણ બતાવી હશે કે નહિ તે બાબતમાં મને ઘણો સંદેહ છે. ” એક વાર એક ગામમાં થઈને જતી વખતે ટેરેસા એક સ્થળે વિસામો ખાઈને ભોજનની તૈયારી કરી રહ્યાં હતાં. એવામાં ગામમાં ખબર ફેલાવાથી કીડીઓની પેઠે લોકોની મેદની ઉભરાઈ આવી. સરકારી અમલદારોએ જાણ્યું કે, આથી સંન્યાસિનીને અડચણ પડશે; એટલે તેમણે ભીડ ઓછી કરવા સારૂ પોલીસને ઉભા રાખ્યા. એ વખતે સેંકડો લોકો સંન્યાસિની ટેરેસાનાં દર્શન સારૂ રસ્તામાં તથા અગાશીઓમાં અને કોટની રાંગ ઉપર જઇને ઉભાં રહ્યાં. આવા આવા બનાવો સાધ્વી ટેરેસાની લોકપ્રિયતાની સાક્ષી આપે છે.

૮-મૃત્યુ

ઈ. સ. નું ૧પ૮૨ મું વર્ષ હતું. આ વર્ષના સપ્ટેમ્બર માસમાં એલબારના ડયુક્ની પત્નીએ તપસ્વિની ટેરેસાને મળવા સારૂ ઘણીજ વ્યાકુળતા બતાવી. એ વખતે એ બાઇને સંતાન થવાનો પ્રસં'ગ હતો. એના મનને એકમાત્ર અભિલાષ એ હતો કે, ટેરેસા એક વખત પધારીને મારે ત્યાં પ્રાર્થના કરે. એના મનમાં કદાચ એ વિશ્વાસ હશે કે, પુણ્યશીલ ટેરેસાની પ્રાર્થના તથા આશીર્વાદથી મારે પેટે સારું સંતાન જન્મશે. પરંતુ ટેરેસા એ વખતમાં વૃદ્ધાવસ્થામાં હતાં. શરીર પણ ઘણું જર્જર થઈ ગયું હતું; દૂર જવા જેવી હાલત ન હતી; છતાં પણ ડ્યુકપત્નીની શ્રદ્ધાભક્તિથી પ્રેરાઇને