પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
મહાન સાધ્વીઓ

એ તેની પાસે ગયાં. ત્યાં પહોંચતાંજ તેમની તબિયત બગડી આવી અને ખાટલે સૂવું પડયું. તેઓ પરમેશ્વરના હાથમાં આત્મસમર્પણ કરીને શાન્તચિત્તે રોગની વેદના સહન કરવા લાગ્યાં.

રોમન કેથોલિક સંપ્રદાયમાં ધર્મગુરુ આગળ પ્રસંગોપાત તથા ખાસ કરીને મૃત્યુની પૂર્વે પોતાનાં પાપનો ખુલ્લે દિલે સ્વીકાર કરવાનો રિવાજ છે. એ ધાર્મિક ઇકરારને 'કનફેશન' કહે છે. ટેરેસાના મૃત્યુના ત્રણ દિવસ પૂર્વે તેમનો ઇકરાર સાંભળવા સારૂ એક પાદરી આવ્યો. સંન્યાસિની ટેરેસા પ્રત્યે તેને અતિશય ભક્તિ અને પ્રેમ હતાં. જે સન્નારીને પોતે સદા પૂજ્યભાવથી જોતો હતો તે નારીને આજે મૃત્યુશય્યામાં સૂતેલાં જોઈને તે પોતાનાં આંસુ ખાળી શક્યો નહિ. તેમની આગળ શું ઘુંટણીએ પડીને અશ્રુવિસર્જન કરતાં તે બોલ્યો કે “મા ! તમે હમણાંજ શા સારૂ અમારો ત્યાગ કરીને ચાલ્યાં જાઓ છો ? ઇશ્વર તમને હજુ થોડા દિવસ આ પૃથ્વીમાં રાખે !”

સંન્યાસિની બોલ્યાં કે “પિતા ! આપના મુખમાં આવાં વચન શોભે છે ? મારૂ કામ પૂરું થયું છે અને હવે આ સંસારમાં રહેવાનું મારે કાંઇ પ્રયોજન નથી; હવે હું મારા પરમેશ્વરની સેવામાં જવા સારૂ તૈયાર થઈ છું.”

પેાતાના આશ્રમની સંન્યાસિનીઓને સંબોધીને તપસ્વિની ટેરેસા બોલ્યાં કે ‘‘મે તમને અનેક કુદૃષ્ટાંત દેખાડ્યાં છે, તેને સારૂ આજ મને ક્ષમા આપો. તમે મારાં ગેરવ્યાજબી કાર્યોનું કદી અનુસરણ કરશો નહિ. મારાં પાપ અનેક છે. હું શુ આશ્રમના બધા નિયમનું પરિપાલન કરી શકી છું ? ના, એમ તો બની શક્યું નથી. હું ઈશ્વરનું નામ દઈને તમને આગ્રહ કરૂં છું કે, તમે બધાં મળીને આશ્રમોને તેમના મહાન આદશને અનુરૂપ બનાવજો. તમે આશ્રમની અધિષ્ઠાત્રીની આજ્ઞા પ્રમાણે ચાલજો.”

મૃત્યુના આગલા દિવસની રાત્રે એ ભક્તિમતી સાધ્વી દુર્બળ શરીરે પણ પથારીમાં બેઠાં થયાં. એકાએક તેમનું મુખમંડળ દિવ્ય પ્રકાશથી ઝળકી ઉઠ્યું. તેમણે પ્રેમાર્દ્ર હૃદયે પ્રાર્થના કરવા માંડી કેઃ-

‘‘હે મારા પ્રભો ! હે મારા સ્વામી ! આજ મારા લાંબા સમયની અભિલાષાનો દિવસ આવી પહોંચ્યો છે; હવે તો તું મને જોઇશ, અને હું પણ તને જોઇશ. હે મારા પ્રભુ ! આ મારા પ્રયાણનો સમય છે, ત્યારે તો તું આવ ! હું તો તારી સાથેજ આ શુભ યાત્રા કરીશ. તારી ઈચ્છા પૂર્ણ થાઓ. હે પ્રભો ! આ તો મારે અરણ્યવાસનો ત્યાગ