પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
સાધ્વી ટેરેસા

કરવાનો સમય આવી પહોંચ્યો છે. તારા સદાના મેળાપની આકાંક્ષા મેં ઘણા સમયથી રાખી હતી, આજ એ અવશ્ય ફળીભૂત થશે.”

- રાત એમ ને એમ વીતી ગઈ, પ્રભાત થયું; સંન્યાસિનીએ તે વખતે છાતી ઉપર ક્રોસ ધારણ કરીને એક પડખે શયન કર્યું. એ અવસ્થામાં ચોવીસ કલાક વીતી ગયા. એમના બન્ને હોઠ ફફડી રહ્યા હતા-જાણે કે નયન મીચીને કોઈની સાથે વાતચીત કરી રહ્યાં છે. ' આખરે ચોથી આક્ટોબરનો દિવસ આવ્યો. રાતના નવ વાગે તપસ્વિનીની મૂર્તિ અનુપમ જ્યોતિથી પ્રકાશવા લાગી. પાસે બેઠેલા લોકોએ જોયું કે, ટેરેસા એ વખતે પણ ઈશ્વરના ધ્યાનમાં નિમગ્ન હતાં. એ અવસ્થામાંજ એ જ્યોતિર્મયી સાધ્વી મૈયાનો આત્મા દેહત્યાગ કરીને સદાને માટે ઈશ્વરના પરમધામમાં પ્રયાણ કરી ગયો.

ઇ. સ. ૧૫૮૨ ની ૪થી ઓકટોબરે સંન્યાસિની ટેરેસાએ દેહત્યાગ કર્યો. ઈ. સ. ૧૬૧૪ માં રોમના પોપે પરલોકવાસી ટેરેસાને પરમધામની અધિકારી ગણીને જાહેરનામું બહાર પાડ્યું. એ સમાચાર જ્યારે સ્પેન દેશમાં જઈ પહોંચ્યા, ત્યારે દેશના બધા વર્ગના લોકો આનંદોત્સવ કરવામાં પ્રમત્ત થઈ ગયા. ઇ. સ. ૧૬૨૨ ની ૧૨ મી મેને દિવસે રોમના પોપે પુણ્યવતી ટેરેસાને સાધુઓના દળમાં શામિલ કરીને, એક ‘સેઈન્ટ’ અથવા સાધુતરીકે તેનો જાહેરમાં સ્વીકાર કર્યો.

હવે અમે એ પૂજ્ય નારીનું જીવનચરિત્ર લખનાર શ્રીમતી ગ્રેહામનાં કેટલાંક વાકય ઉતારીને આ લેખ સમાપ્ત કરીશુ. ગ્રંથની ભૂમિકામાં એ સન્નારી લખે છે કે:-

‘ટેરેસાએ ધર્મમાં જે સુધારો કરવાનો યત્ન કર્યો હતો, તે કામ સહેલું હતું, એવું કેાઈએ ધારવું નહિ. એમણે એકલે હાથે પ્રતિકૂળ અવસ્થાઓ સાથે ઘોર સંગ્રામ કર્યો હતો, એજ એમના સાધ્વીજીવનનું શ્રેષ્ઠ ગૌરવ હતું. એ પોતાના જીવનમાં ધર્મ અને કર્મ નો સમન્વય કરી શક્યાં હતાં. એમના જીવનનું અવલોકન કર્યાથી સમજી શકાય છે કે, મનુષ્યમાં કલ્પના કે સ્વપ્નથી અતિ શ્રેષ્ઠ એવો એક ધર્મનો સત્ય આદર્શ રહેલો છે.”*[૧]


  1. 'પિયર્સ સાઇક્લોપીડિયા' માંથી ટેરેસાના સંબંધમાં નીચેની વધુ વિગત મળી છે:-
    તેઓ પોતાની પાછળ કેટલુંક સાહિત્ય મૂકી ગયાં છે, જે "પૂર્ણતાનો માર્ગ” અને “આત્માનો દુર્ગ” એ નામે પ્રસિદ્ધ થયું છે.