પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

साध्वी गेयाँ


૧–જન્મ અને લગ્ન

સાધ્વી ગેયાઁ એક મહાન નારી હતાં. એ ફ્રાંસ દેશમાં જન્મ્યાં હતાં. તેમના જીવનનો પ્રકાશ આખા યુરોપમાં ફેલાયો હતો. હજુ પણ પાશ્ચાત્ય દેશમાં કેટલાએ ધર્માપિપાસુ લોકો આ ભક્તિમતી નારીની પુણ્યકથા શ્રદ્ધાપૂર્વક વાંચે છે અને તેમના ઉપદેશદ્વારા પોતાના અંધકારમય હૃદયમાં પ્રકાશ મેળવે છે. શ્રદ્ધાભક્તિથી એમનું હૃદય ભરપૂર હતું.

સાધ્વી ગેયાઁ પેાતે લખી ગયાં છે કે:– “આ પૃથ્વીમાં અનુરક્ત પ્રેમી જેવી રીતે તેના પ્રેમપાત્રને ચાહે છે, તેના કરતાં ઘણું વધારે હું મારા ઈશ્વરને ચાહું છું.”

આ થોડાક શબ્દોથીજ આપણને એ ભક્તિમતી નારીના હૃદયપ્રેમનો અનુભવ થાય છે. આ લેખમાં અમે વિશેષ ભાગે એમના પ્રભુ પ્રેમનીજ કથા વર્ણવીશુ.

મેડમ ગેયાઁએ ફ્રાંસદેશના મોટારઝી નામના શહેરમાં ઈ. સ. ૧૬૪૮ ની ૧૩ મી એપ્રિલે જન્મ લીધો હતો. તેમનું મૂળ નામ જાઁ–મારિ બૂબિ-એ યાર–ડિ–લા–મોથ હતું. જાઁ–મારિના પિતા દેશમાં એક આબરૂદાર ગૃહસ્થ હતા. એમને પૈસાટકાનો પણ અભાવ નહોતો. એ વખતે ફ્રાંસદેશમાં તવંગર લોકોની આગળ સુખના હજાર દરવાજા ખુલ્લા હતા. એટલે જાઁ-મારિ બાલ્યાવસ્થામાં અત્યંત સુખ અને લાડમાં ઉછરવા લાગ્યાં. બાલ્યાવસ્થામાં જ તેમના કોમળ હૃદયમાં ધર્મના સરળ અને મધુર ભાવનો વિકાસ થયો હતો. આત્મચરિત્રમાં તેમણે લખ્યું છે કેઃ- “હું જો કે ઘણીજ નાની હતી, પણ ઇશ્વરની વાત મને ઘણી ગમતી. એ વખતે સંન્યાસિનીનો વેશ લેવાનું મને ઘણું ગમતું.”

જાઁ–મારિએ ચાર વર્ષની વયે એક કૉન્વેન્ટ-ખ્રિસ્તીઓના મઠ–માં દાખલ થઈને વાંચવા લખવાનું શીખવા માંડ્યું. તેમનામાં સ્વાભાવિક પ્રતિભા હતી, સ્મરણશક્તિ પણ ઘણી તીવ્ર હતી;