પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
મહાન સાધ્વીઓ

 તેના મનમાં અત્યંત ફેરફાર થયો; પણ એને લીધે તેનો આગલો ધર્મભાવ તથા આગલી ભક્તિ કેવળ કૃત્રિમ કે મનના તરંગરૂપ હતાં, એમ માનવાનું નથી.

જાઁ–મારિનું સૌંદર્યથી આખું અંગ પરિપૂર્ણ હતું, ત્યારે એક સુંદર તરુણ યુવક તેની મનોહર મુખછટા અને રમણીય અંગપ્રત્યંગ જોઈને મોહિત થઇ ગયો અને તેને પરણવાની ઈચ્છા પ્રગટ કરી. જાઁ–મારીનું ચિત્ત પણ એ યુવક તરફ કંઈક ઢળ્યું હતું. પરંતુ એના પિતાને એ યુવક પસંદ પડ્યો ન હતો, એટલે એ લગ્ન થયું નહિ. ત્યારપછી જાઁ–મારીના પિતા છોકરાંઓને લઈને પેરિસ નગરમાં રહેવા ગયા. પેરિસ સદાય સૌંદર્યની માયાપુરી છે. ત્યાંના ઠાઠથી માણસ આશ્ચર્યચકિત થઈ જતો. વિલાસિતાના માયામંત્રથી નરનારીના હૃદયમાં એક પ્રકારની જાળ પથરાતી. આ નગરના એક ધનવાનના પુત્ર એમ. જે. ગેયાઁની પ્રેમદૃષ્ટિ જાઁ–મારિના ઉપર પડી. તેણે એનું પાણિગ્રહણ કરવાની વિનંતિ તેના પિતા આગળ રજુ કરી. જેના ઘરમાં ધન હોય, બહાર માનમર્યાદા હોય તેને કન્યા આપતાં અચકાય એવા કેટલા પિતા હોય છે? અહીં પણ કન્યાના પિતાએ એ બાબતમાં વાંધો લીધો નહિ. વરની વય મોટી છે; ધર્મની બાબતમાં એ તદ્દન બેદરકાર છે; કન્યા કદાચ તેને પસંદજ કરશે નહિ; એ બધા ગંભીર પ્રશ્નોનો વિચાર પિતાએ સુધ્ધા કર્યો નહિ. પછી કન્યાએ જ્યારે વરને દીઠો અને તેની સાથે વાતચીત કરી ત્યારે તેને લાગ્યું કે, આ લગ્નથી હું કદી પણ સુખી થવાની નથી. પરંતુ આથી એના પિતાનો વિચાર જરા પણ બદલાયો નહિ. તેણે પુત્રીના વિચારની જરા પણ પરવા રાખ્યા વગર ઈ. સ. ૧૬૬૪ ની ૨૧મી માર્ચે એમ. જે. ગેયાઁની સાથેજ તેનું લગ્ન કરી દીધું. એ વખતે જાઁ–મારિનું વય ૧૬ વર્ષનું અને તેના સ્વામીનું વય અડત્રીસ વર્ષનું હતું. લગ્ન પછી જાઁ–મારિ મેડમ ગેયાઁ નામથી પ્રસિદ્ધ થયાં હતાં.

૨–પરીક્ષા અને ધર્મજાગૃતિ

મેડમ ગેયાઁનું લગ્ન તેમની પસંદગી વિરુદ્ધ થયું ખરૂં, તોપણ એમને એવી આશા હતી કે પ્રેમ અને મીઠી વર્તણુકવડે સ્વામીને સુખી કરીશ અને પોતે પણ સુખી થઈશ. પરંતુ સ્વામીને ઘેર થોડા દિવસ રહ્યા પછી તેમને જણાયું કે, એ આશા નિષ્ફળ નીવડવાની છે. એ માતપિતાની લાડવાઇ પુત્રી હતાં. સાસુની તરફથી કંઈક