પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
મહાન સાધ્વીઓ


તેઓની તૃષા અવશ્ય તૃપ્ત થશે.” સાધ્વી ગેયાઁ પણ છેવટે ખરેખર પરિતૃપ્ત થયાં. તેમના હૃદયની પિપાસા જોઈને ઈશ્વર તેમનાથી દૂર રહી શકે નહિ. તે પોતે તેમને ખેંચીને પિતૃગૃહે લઈ આવ્યો અને ત્યાં આગળ એક શુભ પળે સેઇન્ટ ફ્રાંસિસ સંપ્રદાયના એક સૌમ્યમૂર્તિ સાધુની સાથે તેમનો મેળાપ થયો.

આ સાધુ એક તપસ્વી પુરુષ હતા. એમણે પાંચ વર્ષસુધી એકાંતમાં તપસ્યા કરીને ઈશ્વરની સાથે અંતરનો યોગ સાધ્યો હતો. હવે નરનારીઓના આત્માનું કલ્યાણ સાધવું એજ તેમના જીવનનો ઉદ્દેશ હતો. મેડમ ગેયાઁ એ ઋષિતુલ્ય પુરુષની પાસે ગયાં. ભક્તિથી તેમનું મસ્તક નમ્યું. તેમણે એ તપસ્વીની આગળ પોતાના જીવનની બધી કથા કહી સંભળાવી અને જણાવ્યું કે, “ઈશ્વરને પ્રાપ્ત કરવા સારૂ મારો પ્રાણ આકુળવ્યાકુળ થઈ રહ્યો છે; પરંતુ રાતદિવસ પ્રયત્ન કર્યા છતાં હું એને પામી શકી નથી.”

સાધુ પુરુષે મેડમ ગેયાઁના જીવનની કથા સાંભળતાં જ તેમનું ચિત્ત ઈશ્વરચિંતનમાં ડૂબી ગયું. તેમણે એક નાનીશી પ્રાર્થના કરી, અને પછી એ બોલ્યા કે “બેટા ! તેં આટલા દિવસ સુધી ઈશ્વરને કેવળ બહાર જ શોધ્યા કર્યો છે, તેથી તારા પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા છે. એ તો તારા હૃદયમાંજ બિરાજેલા છે. તું એને ત્યાં શોધ, એટલે એ તને અવશ્ય પ્રાપ્ત થશે.”

સાધુ પુરુષ આટલી સાધારણ વાત કહીને ત્યાંથી ચાલ્યા ગયા; પરંતુ ઈશ્વર જ્યારે મનુષ્યના હૃદયમાં નવજીવનનો સંચાર કરે છે, ત્યારે એ સાધારણ વાત પણ તેને માટે અસાધારણ બની જાય છે. આજે પણ એવું જ બન્યું. સાધુ પુરુષના કંઠમાંથી નીકળેલી વાણીમાંથી મેડમ ગેયાઁના અંતઃકરણમાં જાણે વિજળીનો ચમકારો દાખલ થઈ ગયો. તેમના હૃદયમાં દૈવી શક્તિની ક્રિયા શરૂ થઈ; તેમણે હૃદયમાં ઈશ્વરકૃપાનો અનુભવ કર્યો. ઈશ્વરી પ્રકાશથી તેમના મનમાં ધર્મનું ઉંડું તત્ત્વ પ્રકટી નીકળ્યું. એ તત્ત્વ એમણે લખી રાખ્યું છે. એના ટુંક સાર નીચે પ્રમાણે છેઃ

“બહાર ગમે તેટલી શોધખોળ કરી તેથી ઈશ્વરને મેળવી શકાતો નથી. ખાલી બહારની દુનિયામાં ભમ્યાથી ઈશ્વરદર્શન થતું નથી. મનુષ્ય ચિંતન કરીને અને બાહ્યજગતની આલોચના કરીને એક સિદ્ધ પુરુષની યોગ્યતાએ પહોંચી શકે છે. એ સિદ્ધાંત અસત્ય છે એવું પણ નથી; પરંતુ આપણે ઈશ્વરનાં દર્શન