પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
સાધ્વી ગેયાઁ


આપણી પોતાની અંદરજ કરી ન શકીએ તો એ આપણો છે અને આપણે તેનાં છીએ, એ સત્યને અનુભવસિદ્ધ પણ કરી શકીશું નહિ. અને આપણા આત્મા સાથે તેનું મિલન પણ થશે નહિ.” ઇ. સ. ૧૬૬૮ ની ૨૨ મી જુલાઈએ મેડમ ગેયાઁના અંતરમાં આ આધ્યાત્મિક ભાવનો ઉદય થયો. એ વખતે એમનું વય વીસ વર્ષનું હતું. એ દિવસે આંતરિક આનંદ અને ભાવાવેશમાં એ આખી રાત સુધી ઉંઘ્યાં નહિ. એ દિવસ એમને માટે નવજીવન પ્રાપ્ત કરવાની સ્મરણીય તારીખ હતી. એ દિવસના બનાવના સંબંધમાં એ લખે છે કે:–

“એ સમયે મેં અનુભવ્યું કે, ઈશ્વરનો પ્રેમ જાણે તીરની પેઠે મારા હૃદયમાં પેસી ગયો. એ પ્રેમનો સ્પર્શ કેવો સુમધુર હતો ! એ પ્રેમરૂપ અસ્ત્રે મારા હૃદયમાં જે ઘા કર્યો છે, તે ઘાનાં ચિહ્‌ન હંમેશને માટે કાયમ રહો. હું જેને કેટલાં વર્ષો થયાં ખોળતી હતી, તેને એક સાચા સાધુના ઉપદેશે મારા હૃદયમાંજ લાવીને રજુ કર્યો; હું જેને દેખી શકતી નહોતી, તેને જોયો; જે સમજી શકતી નહોતી તે સમજી. હે મારા પ્રાણેશ્વર ! તમે તો મારા આ હૃદયમંદિરમાં બિરાજેલા હતા, છતાં પણ હું તમને કેમ દેખી શકી નહિ? × × × હે ચિરસુંદર ! તમને હું કેમ આટલા બધા દિવસ પછી ઓળખી શકી ? એનું કારણ એજ કે “ઈશ્વરનું રાજ્ય તમારામાંજ છે. ઈશ્વર તમારા હૃદયમાં નિવાસ કરે છે.” એ મહાવાણી હું સમજી શકી નહોતી. હવે સમજી શકું છું કે, તમેજ મારા હૃદયના રાજા છો. રહો રહો, હમેશાં તમેજ આ હૃદયના પ્રભુ થઈને રહો.”

મેડમ ગેયાઁ પોતાના ચિત્તને નિર્મળ આરસીની પેઠે પવિત્ર રાખવાને વ્યાકુળ થઈ ગયાં. મહાત્મા ઇસુ કહી ગયા છે કેઃ– ‘જે લોકોનાં ચિત્ત નિર્મળ છે તેઓને ધન્ય છે, કેમકે તેઓ જ ઈશ્વરનાં દર્શન કરવા પામશે.’ આ વચનમાં ઉંડુ સત્ય છુપાયેલું છે. સત્ય સુંદર ઈશ્વર અંતરમાંજ વાસ કરે છે, એ વાત યથાર્થ છે ખરી, પરંતુ અંતરને શુદ્ધ ન્ રાખ્યું હોય અને મન બુદ્ધિ નિર્મળ ન હોય તો શું કોઇ એ હૃદયમાં બિરાજેલા દેવતાનાં દર્શન કરી શકે ? અંતઃકરણને શુદ્ધ રાખવા સારૂ સંયમ જોઈએ, વૈરાગ્ય જોઈએ, એને માટે દુનિયાઈ સુખની લાલસાને નીર્મૂળ કરવી જોઈએ; એટલા માટે મેડમ ગેયાઁએ શૃંગારિક ખેલ તમાસામાં