પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
સાધ્વી ગેયાઁ


થઈ ગયા. ઈશ્વરને શા કારણથી હું આટલી બધી ચાહતી તેનું કારણ તો હું જાણતી નથી. × × એ સમયથી મારા એકાંત મર્મસ્થાનમાં એવી આકાંક્ષા ઉત્પન્ન થઈ કે, હું બધી બાબતમાં ઈશ્વરના ઉપરજ આધાર રાખીશ. મારા અંત:કરણમાંથી એવી પ્રાર્થના નીકળવા લાગી કે “હે પિતા ! મારે શુ એવી કોઈ પણ પ્રિય વસ્તુ છે, કે જેનું બલિદાન અથવા અર્પણ પિતાની મરજીથી તમારી આગળ ન કરી શકું ? જો એ પ્રમાણે ન કરી શકું તો મને ક્ષમા કરશો નહિ, અને મારો ત્યાગ પણ કરશે નહિ.”

મેડમ ગેયાઁ કેટલાક દિવસ સુધી વિશ્વાસ, ભક્તિ, પ્રેમ, પવિત્રતા, આનંદ અને ઉલટથી હૃદયને ભરચક બનાવીને ઉતાવળે પગે ધર્મર્માર્ગમાં આગળ વધવા લાગ્યાં. ઉપાસના અને પ્રાર્થનામાંજ એમનો ઘણો સમય જવા લાગ્યો, એમના પોતાના ખર્ચને સારૂ સ્વામીની પાસેથી પુષ્કળ ધન મળતું હતું. એ ધનનો ઉપયોગ દુઃખી અને નિરાધાર મનુષ્યની જરૂરીઆતો દૂર કરવાના કાર્યમાંજ થતો. જે અભાગી નારીઓ ધર્મમાર્ગથી ચળી જતી અને કાદવમાં હાથ નાખીને પવિત્ર જીવનને મલિન બનાવતી, તે નારીઓનું દુ:ખ મેડમ ગેયાઁથી સહન થતું નહિ. એ ખેદપૂર્વક આંખમાં આંસુ લાવીને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરતાં.

પરંતુ એમની સાસુના મનમાં એવું આવતું કે, વહુનું આ કામ ગેરવ્યાજબી છે. એટલા સારૂ એ પુત્રના કાન ભરીને કહેતી કે “આ તારી વહુ “ધર્મ ધર્મ” કહીને ગાંડી બની ગઈ છે. એને લીધે આપણી બધી દોલત ધૂળમાં મળી જાય છે. આટલા દિવસ સુધી જે કાંઈ બચ્યું છે તે મારે લીધે છે, એ તો વહુનાં લક્ષણ બારણામાં પેસતાંજ પારખ્યાં હતાં; અને પારખીને સાવચેત થઇ ગઇ હતી.”

મેડમ ગેયાઁનો સ્વામી વારે ઘડીએ આવી ને આવી ફરિયાદ સાંભળીને ઉશ્કેરાઈ જતો. એવે વખતે એ સ્ત્રીની પ્રત્યે કઠોર વ્યવહાર કરતો. વળી એ કેટલીક વાર કટાક્ષપૂર્વક સ્ત્રીને કહેતો કે “તમે તમારો બધો પ્રેમ તો ઈશ્વરને આપ્યો છે, તો પછી મને શું આપશો બોલો જોઈએ ?”

આવી મશ્કરી કરતી વખતે પણ તેના મનમાં પત્ની ઉપરની ઝાંઝ જણાઈ આવતી હતી. એને ખબર નહોતી કે, ઈશ્વરને હૃદય અર્પણ કરવામાં આવે છે, ત્યારે એ કાંઈ એને ઠાલવી દઇને બધો