પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
સાધ્વી ગેયાઁ


મેડમ ગેયાઁએ હવે પ્રાર્થના અને ઉપાસનાને મજબૂતીથી ધારણ કર્યા. હવે એ આત્મશક્તિ ઉપર જરા પણ આધાર રાખી શક્યાં નહિ. કેવી રીતે રાખી શકે ? ધર્મ–અધર્મના સંગ્રામમાં પડતાં આખડતાં અને પાછાં ટટાર થતાં એમને એવું શિક્ષણ મળ્યું હતું કે, મનુષ્યની દુર્બળતાની અવસ્થામાં સંપૂર્ણપણે ઈશ્વરના હાથમાં પાતાને સમર્પણ કર્યા સિવાય વિપત્તિમાંથી છુટકારો મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી; કારણ કે આત્મસમર્પણ અને દૃઢ વિશ્વાસમાં થઈનેજ ઈશ્વરની સહાય અને શક્તિ આપણામાં દાખલ થાય છે અને જીવનમાં તેની ક્રિયાનો આરંભ થાય છે; એ દેવી શક્તિની ક્રિયા શરૂ થતાંજ હું પદનો ઉગ્રભાવ ચાલ્યો જાય છે, વિશ્વાસ ઉજ્જ્વળ થાય છે અને પાપની ઉશ્કેરણી બંધ પડી જાય છે.

સાધ્વીજી પોતાના મનમાં સૂક્ષ્મ આત્મચિંતન જાગ્રત રાખીને દિનપર દિન ધર્મમાર્ગમાં આગળ વધવા લાગ્યાં. ઘણી વખત એવું બને છે કે, મનુષ્ય અડધો ધર્મ પકડીને-મનની એક તરફ અંધારું અને બીજી તરફ અજવાળું રાખીને પોતાની જાતને છેતરે છે. એટલા સારૂ મેડમ ગેયાઁએ પોતાના જીવનમાં પૂર્ણ ધર્મનાં લક્ષણ ખીલવવા માટે વિશ્વાસ, પ્રેમ અને દાસત્વદ્વારા એકદમ ઈશ્વરનાં થઈ જવા માટે સાધના કરવા માંડી. એ વિષયમાં એમણે આત્મચરિત્રમાં લખ્યું છે કે “જો બની શકશે તે હું આજથી – આ ક્ષણેથી સંપૂર્ણ રૂપે ઈશ્વરની બનીશ. મારો કોઈ પણ અંશ હવે સંસારમાં મારો રહેશે નહિ.”

મેડમ ગેયાઁના જીવનના સંગ્રામ અને પરિવર્તનની વાત વાંચીને લાકોના મનમાં એક પ્રશ્ન ઉભો થાય તેમ છે. એક દિવસ આ સાધ્વીના હૃદયમાં નવવસંતના આવિર્ભાવની માફક પ્રેમનો પ્રકાશ થયો હતો, મનરૂપી કળીમાં પુણ્યકુસુમ ખીલી રહ્યું હતું, પરંતુ પાછું તે હૃદય પ્રેમશૂન્ય થઈ ગયું, પવિત્રતાનું ફૂલ ખરી પડ્યું. ત્યારે શું ધર્મ રાજ્યમાં પણ પ્રકૃતિની રમત ચાલ્યા કરે છે ? ત્યાં પણ શું વસંત સદાને માટે આવતી નથી ? ફૂલ સદાને માટે ખીલતુ નથી ? ધર્મની અંદર અટલ થઈને ઉભા રહેવાને માટે કોઈ એક નિર્ભય સ્થાન નથી ? આ પ્રશ્નનો ઉત્તર એજ છે કે, સાધનની નીચલી અવસ્થામાં તે સાધકના અંતઃકરણમાં એક પછી બીજી ઋતુની આવ-જા થયા કરે છે; પણ અતિ ઉચ્ચ અવસ્થાને પામ્યા પછી ત્યાં પ્રભુ પ્રેમ સદા કાળને માટે આવી વસે છે અને પુણ્યપુષ્પ