પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
મહાન સાધ્વીઓ


તેમનું આશ્રયગૃહ તોડી નાખ્યું, તેમને અનાથ બનાવ્યાં. એક તણખલાની પેઠે એ એકલવાયાં સંસારના સ્રોતમાં વહેવા લાગ્યાં અને એક તરફથી બીજી તરફ ધક્કા ખાવા લાગ્યાં.

ઈ. સ. ૧૬૭૬ નો જુલાઈ માસ ભીષણ મૂર્તિ ધારણ કરીને તેમની પાસે આવ્યો. એ સમયે તેમના પતિ ગંભીર રોગમાં પડ્યા. સાધ્વી નારીએ પ્રેમમાં પોતાની જાતનું ભાન ભૂલી જઈને સ્વામીની સેવા કરવા માંડી. એ સેવા દ્વારાજ તેમના હૃદયની અમૃતધારા સ્વામીના તૃષાર્ત હૃદયમાં પ્રવેશી. તેનો રોગથી પીડાતો જીવ એ અમૃતથી શાંત થયો.

એ ધનવાનના સંતાનમાં ખરેખર પુષ્કળ દોષ અને ત્રુટિઓ હતાં. પત્ની રાતદિવસ ધર્મનીજ ધૂનમાં રહેતી એ એને જરા પણ રુચતું નહોતું. જનનીની પાસેથી પત્નીની નિંદા સાંભળીને એને ગુસ્સો ચઢતો ત્યારે એ પત્નીની સાથે નિર્દય વ્યવહાર કરતો.. એને જોઇતું હતું કેવળ દુનિયામાં સુખ અને તેની સ્ત્રી ચાહતી હતી પવિત્રતા, ઈશ્વરનો પ્રેમ, દુ:ખીઓની સેવા. એટલા સારૂ એ બન્નેમાં પ્રેમનું મિલન થયું નહોતું, થઈ શકે એમ પણ નહોતું. એમ છતાં પણ પત્ની પ્રત્યે તેને સ્વાભાવિક શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાને તે મનમાં ને મનમાં છુપાવી રાખવા ઇચ્છતો; પણ એમ બની શકતું નહિ. વખતોવખત બહારની વર્તણુકમાં પણ એ શ્રદ્ધા જણાઈ આવતી. તેના ઓળખીતાઓ જ્યારે તેના દયાગુણની પ્રશંસા કરતા ત્યારે એ મનમાં ને મનમાં ગૌરવ અનુભવતો. એટલું જ નહિ પણ કોઈ કોઈ વાર તે એ પોતાના દોષો અને ખામીએાનુ સ્મરણ કરીને ઘણું જ પસ્તાતો. એવે વખતે તેનું સળગતું હૈયું શાંતિદાયિની પત્ની સાથે જોડાઈ જતું. પત્નીના પવિત્ર હૃદયના મધુરા પ્રેમથી તેનું મન પણ સ્નિગ્ધ, કોમળ અને સરળ બની જતું.

મેડમ ગેયાઁ લાગલાચટ ચોવીસ દિવસ સુધી આહારનિદ્રા વિસરી જઈને પ્રેમથી સ્વામીની સેવા કરવા લાગ્યાં. કેવળ શરીરનીજ સેવા કરતાં નહિ, પરંતુ આ છેવટની ઘડીએ સ્વામી ઇશ્વરના હાથમાં આત્મસમર્પણ કરીને શાંતિ મેળવે, તે સારૂ પણ એ સ્વામીની સાથે એકત્ર થઈને પ્રાર્થના કરતાં. એ રોગશય્યામાં સ્વામી અને સ્ત્રીના પ્રાણ વચ્ચે કોઈ અંતર રહ્યું નહિ. બન્ને જણાં થોડા સમય સારૂ મિલનનો સુનિર્મળ અને સુમિષ્ટ આનંદ ભાગવવા લાગ્યાં.

એક દિવસ મેડમ ગેયાઁએ સ્વામીની આગળ ઘુંટણીએ પડીને