પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
સાધ્વી ગેયાઁ

બીજો શુભ દિન રજુ કર્યો. મેડમ ગેયાઁએ સૂક્ષ્મરીતે જોયું તો જણાયું કે, હવે તેના હૃદયમાં સંશયની રેખા સુદ્ધાં નથી, પાપ પણ નથી, વિકાર પણ નથી, વિદ્રોહ પણ નથી, હું પદનો અહંકાર નથી. આજ અંદર અને બહાર કેવળ જ્યોતિર્મય ઈશ્વરનો વિચિત્ર પ્રકાશ છે.

મેડમ ગેયાઁની ચરિત્રકાર તેમની એ દિવસની અવસ્થા સંબધે લખે છે કેઃ “ઉંડી શાંતિમાં એ નિમગ્ન થઈ ગયાં. હવે એમને ઇચ્છવા જેવું કાંઇ રહ્યું નહિ, તેમ ખાવાયોગ્ય પણ કાંઈ રહ્યું નહિ, ભય જેવું કાંઈ રહ્યું નહિ. ઈશ્વરની ઈચ્છાજ એમની ઈચ્છા બની રહી.”

પછી એ સાધ્વી બાઈ પોતાનાં એ સંતાનને એક યોગ્ય શિક્ષકના હાથમાં સોંપીને, તથા બાળક ક્ન્યાને પોતાની સાથે લઇને દૂર દેશાવરની યાત્રાએ નીકળ્યાં. એ યાત્રાને તેમની ધર્મયાત્રા પણ કહી શકાશે. કારણ કે એ યાત્રાનો ઉદ્દેશ ધર્મસાધના, ધર્મપ્રચાર અને દુ:ખીઓની સેવા કરવાનો હતો. આપણે આગળ જોઇશું કે એ ત્રણ કામને સારૂ તેમણે પોતાનો સમય, ધન અને સામર્થ્ય સઘળુંજ અર્પણ કરી દીધુ હતું.

પ-યોગ અને કર્મ

મેડમ ગેયાઁ જેક્સ નગરમાં ગયાં. શહેરના લોકોએ અગાઉથીજ તેમના ધર્મજીવનની કથા સાંભળી હતી, એટલે તેમણે તેમનો ઘણો આદરસત્કાર કર્યો. અહીંઆ કેટલાક દિવસ સુધી ખૂબ સુખમાં રહ્યાં. તેમની મનોવીણા નિરંતર ઉચ્ચ સૂર વગાડ્યા કરતી. એ વીણામાંથી જે સ્વર્ગીય સંગીત નીસરતું, તેનાથી એમનું છે હૃદય મધુમય થઈ જતું. ધાર્મિક વૃત્તિના જે લોકો ધર્મની તૃષા છીપાવવા ત્યાં આવતા, તેમનાં હૃદય ભીંજાઈ જતાં. સાધ્વીની એ સમયની આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થાવિષે તેમનું જીવનચરિત્ર લખનાર બાઈ લખે છે કે “અનેક વખત મધ્યરાત્રે તેમની ઉંઘ ઉડી જતી, ઈશ્વરાનુભૂતિનો આનંદ તેમને ઉંઘવા દેતો નહિ. પ્રિય પ્રભુના સાક્ષાત્કારના વિમળ આનંદમાં તેમની આખી રાત વીતી જતી.”

આ દેશના સાધકો કહે છે કે, ધર્મનો સર્વથી ઉચ્ચ ભાવ યોગ અને ભક્તિ છે. મેડમ ગેયાઁના જીવનમાં દિનપ્રતિદિન એ બંને ભાવોનો વિકાસ થવા માંડ્યો. તેમની ભક્તિ ઈશ્વર તરફજ ઝૂકવા લાગી; અને ઉંડા પ્રેમથી ઈશ્વરની સાથે યોગયુક્ત થઈને એ સમય ગાળવા લાગ્યાં. ઇશ્વરની ઈચ્છામાંજ તેમની ઇચ્છા વિલીન થઈ જતી. તેમના યોગની અવસ્થા વિષે તેઓ પોતે લખે છે કે:-