પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
સાધ્વી ગેયાઁ


પોતાનાં આંસુ ભેળવવા યત્ન કરતાં. પુષ્કળ ગરીબ અને નિરાધાર લોકો તેમની પાસે જતાં અને સહાયતા મેળવીને પાછાં આવતાં. કેટલાએ કારીગરો અને કળાકૌશલ્ય જાણનારાઓને તેમણે ધનની મદદ આપીને ઉત્સાહિત કર્યા હતા. એ મહાન સાધ્વીના આત્મચરિત્રમાં લખ્યું છે કે:-

“પીડિત મનુષ્યને ધીરજ આપવા અને તેમનાં બિછાનાં તૈયાર કરવા હું તેમની પાસે જતી. તેમના ઘા ધોતી, લૂછતી તથા ફરીથી તેને મલમપટ્ટો બાંધતી. મરી ગયેલાંને સમાધિસ્થ કરવાનું ખર્ચ ઘણી વખત હું જ ઉપાડી લેતી. કોઇ કોઈવાર ગુપ્ત રીતે ગરીબ અને આપત્તિમાં આવી પડેલા ધંધાદારી અને કારીગરોને મદદ આપતી.”

અમે જે સમયનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, તે સમયે ફ્રાંસદેશના લોકોનો ધર્મભાવ ઝાંખો પડી ગયો હતો. અનેક સ્ત્રીપુરુષો ધર્મનાં કેટલાંક બહારનાં અનુષ્ઠાન તો ખૂબ ધામધૂમથી કરતાં; પરંતુ એથી ધર્મની પ્રાપ્તિમાં એમને વિશેષ સગવડ મળતી નહોતી, બલ્કે એ બધાં આડંબરભરેલાં અનુષ્ઠાનની આડમાં મનુષ્યનાં પાપ ઢંકાઈ જતાં, ધર્મને નામે અધર્મનો પ્રચાર કરવાની સગવડ મળતી, પુષ્કળ ધર્મહીન પાદરીઓ અમુક મત અને પ્રાણહીન અનુષ્ઠાન ઉપરજ સખ્ત નજર રાખતા. એ વિષયમાંથી કોઈ જરાક ચસકતું તો એનું આવી બનતું; કેમકે એ બધા પાદરીઓની સત્તા જનસમાજ પર જમાવવા માટે એવો મત અને બહારનાં અનુષ્ઠાન પૂરતાં હતાં.

દેશમાં ચારે તરફ જ્યારે ધર્મની આવી અવસ્થા હતી, ત્યારે મનુષ્યનાં દુઃખ અને પાપ જોઈને મેડમ ગેયાઁનું હૈયું પીગળી ગયું. તેમણે ધર્મને સત્યરૂપે પ્રાપ્ત કર્યો હતો; ધર્મ ન હોય તો મનુષ્યનો સંસાર બિલકુલ ચાલે નહિ. એ સિદ્ધાંત પણ હંમેશને સારૂ તેમના મર્મસ્થાનમાં કોતરાઈ ગયો હતો. એથી આ ધર્મશીલા સાધ્વી જીવતા જાગતા ધર્મની અમૃતમયી વાણી લઈને લોકોને બારણે ઉભી રહી. જે સ્ત્રીપુરુષોની ધર્મતૃષ્ણા પ્રબળ હતી, જેઓ પાપથી દુઃખી હતાં, પશ્ચાત્તાપથી પીડાતાં હતાં, તેઓ મેડમ ગેયાઁનો ઉપદેશ સાંભળવા સારૂ વ્યાકુળ થઈ ગયાં. વિશ્વાસથી ઉત્તેજિત થઈને તેમણે જોશદાર ભાષામાં પોતાના જીવનમાં અનુભવેલાં સત્યો બધાની આગળ પ્રગટ કરવા માંડ્યાં. એ બધી સરળ અને અકૃત્રિમ ધર્મકથા નરનારીઓનાં હૃદયને સ્પર્શ કરવા લાગી; ઘણાંઓનાં મન બદલાઈ ગયાં; કેટલાંક સ્ત્રી-