પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
સાધ્વી ગેયાઁ

ધાર્મિક પુરુષ હતા. તેનામાં ઉજજવળ પ્રતિભા, અગાધ પાંડિત્ય અને ઉંડી ઈશ્વરભક્તિ હતાં. એ સાચા ધાર્મિક પાદરી સાથે મેડમ ગેયાઁને ગાઢ મૈત્રી બંધાઈ. એ પણ ધર્મશીલા સાધ્વીના જીવનની ઉરચ અવસ્થા જોઈને, અને તેમની પ્રતિભા તથા શકિતનો પરિચય પામીને, તેમના પ્રત્યે અત્યંત શ્રદ્ધા પ્રગટ કરવા લાગ્યાં. એટલુંજ નહિ પણ એ ઉદારચિત્ત ઉન્નતચરિત વિદ્વાન પાદરી મેડમ ગેયાઁના ઉંડા તત્ત્વજ્ઞાનના લેખો વાંચીને તેમના ધર્મનું સમર્થન કરવા લાગ્યો.

એ વખતે પાછું ચારે તરફ વાવાઝોડું ઉઠ્યું; ઘોર આંદોલન શરૂ થયું. જૂના વિચારના પાદરીઓ માનવા લાગ્યા કે, મેડમ ગેયાઁ કેાઈ માયાવિની સ્ત્રી છે. કોઈ પ્રકારની મેલી વિદ્યા ન જાણતી હોત તો ફેનેલોન જેવા અસાધારણ વિદ્વાન ઉપર એ પેાતાની અસર કેવી રીતે સ્થાપી શકત ?

હવે વિપક્ષી લોકોએ એકજથે થઈને ફેનેલોન અને મેડમ ગેયાઁના ઉપર પોતાનાં વજ્ર ફેંકવા માંડયાં. એનું પરિણામ એ આવ્યું કે, ફેનેલોન પોતાના કર્મક્ષેત્રથી દૂર જઈને દેશનિકાલ પામેલા પાદરીની પેઠે વસવા લાગ્યા. મેડમ ગેયાઁને ફરીથી કારાગૃહવાસની આજ્ઞા મળી. બિનસેજજના કેદખાનામાં તેમને રાખવામાં આવ્યાં. આ વખતે એમને કોઈ પણ જાતની સ્વતંત્રતા આપવામાં આવી નહિ; પરંતુ એથી ગંભીર આનંદ અને સુમધુર શાંતિથી એ વંચિત ન રહ્યાં. જેનો આત્મા ઈશ્વરની સાથે ગૂઢ યોગથી જોડાયેલો હોય છે, જે ઈશ્વરપ્રેમથીજ પરિતૃપ્ત છે, ઇશ્વરજ જેનું સર્વસ્વ છે, તેને અશાંતિ કયાંથી? ભકિતમતી સાધ્વી કેદખાનામાં પ્રેમસંગીત રચવા લાગ્યાં. એ ધાર્મિક ગીત ગાતાં ગાતાં પ્રેમ અને આનંદથી મસ્ત થઈ જતાં, એમણે પોતે લખ્યું છે કેઃ-

“હું જાણે નાનુંશુ પંખીડું છું. મારા પ્રભુએ મને પાંજરામાં પૂરી રાખ્યું છે. અહી' હરિ ગુણગાન સિવાય મારે બીજું કામ નથી.”

અમે આ પ્રેમમયી ફ્રેંચ સાધ્વીના એક સંગીતનો ગદ્યાનુવાદ નીચે આપીએ છીએઃ-

‘‘મારા ઇશ્વરને ચાહું છું, પરંતુ મારા પ્રેમવડે નહિ; કેમકે તેને આપવા સરખો તો મારો પ્રેમ નથી. હે પ્રભુ ! હું તને ચાહું છું પરંતુ મારો પ્રેમ તો તારોજ છે, તારા પ્રેમથીજ હું જીવું છું. હું જાતે તો કાંઈ પણ નથી. તને વળગવામાં, તારામાં જ ખોવાઇ જવામાં, તારામાંજ મસ્ત થવામાં મારો આનંદ છે. હે