પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
મહાન સાધ્વીઓ

પ્રભુ ! તું જ મારો એક એવો સહાયક અને સર્વસ્વ છે, કે જેના વગર મારૂં જરા પણ ગાડું ચાલે નહિ. તારામાંથીજ મારા સુખના સ્રોત વહે છે. જેઓ એ સુખથી સુખી છે, તેઓજ તારામાં વાસ કરે છે. તુંજ જીવનનું ઝરણું છે. જે કરુણા આખો દિવસ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, તેના મૂળ ઝરો તુંજ છે; અમારા જીવનનો ભંડાર તુંજ છે; ઉત્પત્તિસ્થાન તુંજ છે અને કેન્દ્ર પણ તું જ છે. તુંજ અમારૂં નિવાસસ્થાન છે.”

ચાર વર્ષ પછી મેડમ ગેયાઁએ કારાગૃહમાંથી મુક્તિ મેળવી, પરંતુ પેરિસમાં તેમને રહેવા દેવામાં આવ્યાં નહિ; તેમને દૂર દેશનિકાલ કરવામાં આવ્યાં. અત્યારસુધીમાં અનેક દેશના ધાર્મિક લોકોએ તેમના ઉન્નત ધર્મજીવનની વાત સાંભળી હતી. એટલે ઇંગ્લેંડ, જર્મની વગેરે દેશમાંથી પુષ્કળ લોકો તેમનાં દર્શને આવવા લાગ્યા. એ લોકોના અત્યંત આગ્રહથી એમણે પોતાનું આત્મચરિત્ર પ્રગટ કરવા સારૂ ઇંગ્લંડના એક સંદ્ગૃહસ્થને સોંપ્યું.

આખરે તેમના જીવનનો અંતિમ સમય આવી પહોંચ્યો. એ ધનવાનની કન્યા, ધનવાનની પત્ની, રૂપવતી, ગુણવતી, સુશિક્ષિતા અને ધર્મશીલા સાધ્વી હતાં. પરંતુ સત્તર વર્ષની વયથી ઘરમાં અને ઘરબહાર તથા પોતાના હૃદયની અંદર પણ લાંબા સમય સુધી એમને કેવળ સંગ્રામજ કરવો પડયેા હતો. લૌકિક ભાષામાં જેને સુખ કહે છે, તેવું સુખ કોઈ દિવસ એમના ભાગ્યમાં લખાયું ન હતુ. દુઃખના અંધકારમાં થઈને ઠોકરો ખાતાં ખાતાં એમને જીવનના માર્ગમાં આગળ વધવું પડયું હતું, પરંતુ હવે તેમનો સંગ્રામ બંધ થયો, દુઃખનો અંધકાર ઉડી ગયો; તેમના જીવનના સ્વામી સ્વયં ઈશ્વરે તેમને પોતાના આનંદનિકેતનમાં બોલાવ્યાં. મેડમ ગેયાઁ ઈ. સ. ૧૭૧૭ ની ૯ મી જુને ૬૯ વર્ષની વયે આ લોકમાંથી હસતે મુખે ચાલ્યાં ગયાં. મૃત્યુની પૂવે એ એક પત્ર લખી ગયાં હતાં. તેમાંથી અમે થોડાંક વાકયો ઉતારીશુ. તપસ્વિની નારી ઈશ્વરને સંબોધીને કહે છેઃ-

"મેં તમારી પાસેથી સઘળું મેળવ્યું છે, અને તમનેજ સર્વસ્વ સમર્પણ કરવા જાઉં છું. હે ઈશ્વર ! તમારી જે ઈચ્છા હોય તે કરો. હું તમને મારું શરીર અને આત્મા અર્પણ કરું છું. તમારી ઇચ્છા પૂર્ણ થાઓ. ”