પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
સાધ્વી મેરી કાર્પેન્ટર

દુર્દશાનું તેમને સારી પેઠે ભાન થયું. ઈશ્વરે જે મહાન કાર્ય કરવાને તેમને આ જગતમાં મોકલ્યાં હતાં તે કાર્ય કરવાની ઈચ્છા આ સમયથીજ તેમના મનમાં ઉત્પન્ન થઇ. પાપ, તાપ અને દારિદ્ર્યથી પીડાતા સ્વદેશવાસીઓનાં દુઃખ દૂર કરવાનો તેમણે સંકલ્પ કર્યો. અજ્ઞાનરૂપી અંધકારથી છવાયલી તેમની શોચનીય અવસ્થા જોઈને તેમનું હૃદય ગળગળું થઈ ગયું. તેમણે વિચાર્યું કે, ઈશ્વરે મને આ મનુષ્યજીવન આપ્યું છે તે આ દીનદરિદ્રોનાં દુઃખ નીવારવા માટેજ આપ્યું છે. તેમણે એ શુભ કાર્ય માટે બળ આપવાને ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને પરમાર્થને ખાતર આત્મવિસર્જન કરવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી; પરંતુ પારકાંઓની ખાતર સ્વાર્થ ત્યાગ કેવી રીતે કેરવો, કયા ઉપાયો યોજવા, કયાં કામો કરવાથી એ ઉદ્દેશ સિદ્ધ થઈ શકશે ? એ સંબંધી તેમને કાંઈ સમજણ પડી નહિ; છતાં પણ સંકલ્પ છોડી નહિ દેતાં ‘ઈશ્વરજ મને માર્ગ દર્શાવશે’ એ વિશ્વાસ ઉપર આધાર રાખીને યોગ્ય પ્રસંગની એ વાટ જોવા લાગ્યાં. મેરી કાર્પેન્ટરના ચરિત્રમાં એ એક મુખ્ય ગુણ હતો કે, જે વિચાર અથવા કાર્યને એક વાર એ મહાન ગણતાં તથા સત્યતરીકે સ્વીકારતાં તેને સેંકડો વિઘ્નો અને વિપત્તિ આવી પડવા છતાં પણ છોડી દેતાં નહિ. સ્વાર્થ ત્યાગનો જે ભાવ એમના હૃદયમાં ઉત્પન્ન થયો હતો તેને સબળ કરવા સારૂ એ સમયમાં તેમણે મહાન પુરુષોનાં જીવનચરિત્રના અભ્યાસ કરવા માંડ્યો. ઈશ્વરે તેમની પ્રાર્થના આશ્ચર્યકારક રીતે પૂર્ણ કરી અને ભવિષ્યના જીવન માટે કાર્યક્રમ બતાવી દીધો.

૨ – રાજા રામમોહન રાય અને ડૉક્ટર ટકરમેન

क्षणमिह् सज्जनसंगतिरेका भवति भवार्णवरतणे नौका ॥

ઉપર લખેલું મહાપુરુષનું વચન મેરી કાર્પેન્ટરના જીવનમાં સંપૂર્ણરૂપે ફળિભૂત થયું છે. એ પરમાર્થને સારૂ પોતાને અર્પણ કરવા તૈયાર થયાં હતાં ખરાં, પણ કયો માર્ગ ગ્રહણ કરવાથી શ્રેય થશે તે હજી પણ નક્કી કરી શક્યાં નહોતાં. શું કરવું અને શું નહિ તેનાજ ચિંતનમાં એ દિવસો ગાળવા લાગ્યાં.

બીજે વર્ષે ઈ. સ. ૧૮૩૩ માં પ્રાતઃસ્મરણીય મહાત્મા રામમોહન રાય અને અમેરિકાના જનહિતૈષી ડૉક્ટર ટકરમેનનું ઇંગ્લાંડમાં પધારવું થયું. એ બે મહાપુરુષના સંસર્ગમાં આવવાથી મેરી કાર્પેન્ટરની કાર્યશક્તિ વિકાસ પામી. એ બે મહાત્માઓએ