પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
સાધ્વી મેરી કાર્પેન્ટર

અને પ્રગાઢ ભક્તિ બતાવવા સારૂ તેમણે રામમોહન રાયનું એક જીવનવૃત્તાંત લખ્યું હતું. મેરી કાર્પેન્ટરે રચેલું એ જીવનચરિત્ર ન છપાયું હોત તો રાજા રામમોહન રાય સંબંધી ઘણી જાણવા યોગ્ય બાબતોથી આપણે અજાણ્યા રહ્યા હોત.

૩ – ડૉક્ટર ટકરમેન

ડૉક્ટર ટકરમેન ઇંગ્લઁડમાં પધાર્યા ત્યારે ડૉક્ટર કાર્પેન્ટેરને ઘેર અતિથિ થયા હતા. મેરી કાર્પેન્ટર એક દિવસ ડૉક્ટર ટકરમેનની સાથે કોઈ દરિદ્ર ગામડામાં જઇને રહ્યાં હતાં. તેવામાં તેમણે એક અતિ દરિદ્ર બાળકને નગ્નાવસ્થામાં તેમની આગળથી દોડી જતો જોયો. ડૉક્ટર ટકરમેન બોલ્યા “આ બાળકની પાછળ જઇને તેના ઘરની તપાસ કરવી જોઈએ.” એ વખતે તેમના એ ઉપદેશનો કાંઈ અમલ થઈ શક્યો નહિ, પરંતુ એ વાક્ય મેરી કાર્પેન્ટરના હૃદયમાં ઉંડું ખુંપી ગયું અને ત્યારથી જીવનના એક ઘણા મોટા કર્તવ્ય ઉપર ધ્યાન આપવામાં નથી આવતું, એ ચિંતા તેમને પીડવા લાગી. એ ચિંતાને લીધે તેમના પ્રાણમાં નવી આકાંક્ષા અને નવી પ્રતિજ્ઞા ઉત્પન્ન થઈ. એ બનાવ બન્યા પછી ૩૬ વર્ષે પણ એ ઘટનાને પોતાના જીવનના એક શુભ મુહૂર્ત તરીકે ગણીને તેઓ સંભારતાં; ત્યારપછી ઇ. સ. ૧૮૩પ માં ડૉક્ટર ટકરમેનના ઉપદેશાનુસાર ગરીબ માણસોનાં ઘરની તપાસ કરવા સારૂ ‘વર્કિંગ એન્ડ વિઝિટિંગ સોસાઇટી’ નામની એક સભા સ્થાપવામાં આવી. એ સભાના સભાસદો કેટલાક જીલ્લાઓ નક્કી કરીને તેમાં રહેનારા દરિદ્ર લેાકોની નૈતિક અને આર્થિક અને અવસ્થાની તપાસ કરવા લાગ્યા. મેરી કાર્પેન્ટર એ સભાનાં સેકેટરી – મંત્રી બન્યાં. વીસ વર્ષ કરતાં વધારે સમયસુધી તેમણે એના સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. જ્યારે દરેક સભાસદે પાતપેાતાને માટે અમુક મહોલ્લાઓ નક્કી કરી લીધા, ત્યારે મેરી કાર્પેન્ટરે સૌથી વધારે કંગાળ અને અધમ સ્થાનની તપાસ કરવાનો ભાર પેાતાને માથે લીધો. એ કાર્યને અંગે તેમને નીચલા વર્ગની બધી અવસ્થા સંપૂર્ણરૂપે જણાઇ રહી. એ મનુષ્યોની તિરસ્કારયોગ્ય દશા જોઈને કેટલીક વખત તેમના મનમાં ઘૃણા અને વિરક્તિ ઉત્પન્ન થતાં. કેટલીક વાર તેમના કામમાં અડચણ આવી પડતી; પરંતુ એ બધા ઉપર વિજય મેળવીને કર્તવ્યમાર્ગમાં સ્થિર રહ્યાં. લગભગ દોઢ વર્ષ પછી તેમના કાર્યનું સારું ફળ