પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
સાધ્વી મેરી કાર્પેન્ટર

કરે. પરંતુ મારી એ છેલ્લી ઈચ્છા મારા ગજા ઉપરાંતની હોય એમ લાગે છે.” મેરી કાર્પેન્ટરની એ મહાન ઈચ્છા સંપૂર્ણરૂપે ફલીભૂત થઈ છે, એ પોતાની પાછળ એવું કંઈક મૂકતાં ગયાં છે કે જે માનવહૃદય ઉપર ઘણા લાંબા સમયસુધી કોતરાઈ રહેશે કાવ્યશાસ્ત્ર ઉપરાંત ચિત્રવિદ્યામાં પણ એમણે પારદર્શિતા પ્રાપ્ત કરી હતી. કુદરત ઉપરના ઉંડા પ્રેમ તેમનાં ચિત્રોમાં જણાઈ આવે છે. એ ઘણું ખરું કુદરતને લગતાંજ ચિત્ર દોરતાં હતાં. હોશિયાર શિક્ષકની પાસે શિક્ષણ મેળવ્યાથી ચિત્રવિદ્યાનું પણ તેમને સારું જ્ઞાન મળ્યું હતું. તેમણે પોતાને હાથે ચીતરેલું એક ચિત્ર મહાત્મા થિયોડર પાર્કરને ભેટ આપ્યું હતું. થિયોર્ડર પાર્કર એ ચિત્રને પોતાના વાંચનગૃહમાં મૂકી રાખતા.

મેરી કાર્પેન્ટરની નૈતિક અને ધાર્મિક દૃષ્ટિ ઘણી પ્રબળ હતી. સાહિત્ય, કાવ્ય કે ચિત્રવિદ્યાને પણ તેઓ એજ દૃષ્ટિથી જોતાં; અને પ્રત્યેક વિષયના ગુણ દોષનો વિચાર એજ આદર્શ દ્વારા કરતાં; એટલુંજ નહિ પણ ચિત્રકારનું ચારિત્ર જોઈને ચિત્રના સૌંદર્યનો વિચાર કરતાં. તેઓના ધાર્મિક અને નૈતિક આદર્શ એટલો બધો ઉંચો ન હોત અને ચારિત્ર્ય એવું તેજસ્વી ન હોત તો શું મેરી કાર્પેન્ટર પોતાના જીવનમાં અનેક વિપત્તિપૂર્ણ કાર્યો સિદ્ધ કરવા સમર્થ થઈ શકત ?

પ – પિતૃવિયોગ

ઇ. સ. ૧૮૩૯ માં મેરી કાર્પેન્ટર ઉપર દારુણ દુઃખ આવી પડ્યું. ઘણો પરિશ્રમ કરવાથી તેમના પિતાની તબિયત લથડવા માંડી. ડૉક્ટરની સલાહ મુજબ શરીર સુધારવા સારૂ તેમને મુસાફરીએ નીકળવું પડ્યું. એ પ્રવાસમાં લેગહોર્નથી માર્સેલ્સ જતાં પાણીમાં પડી જવાથી એમનું મૃત્યુ થયું. આ અકસ્માત્ આવી પડેલી વિપત્તિના સમાચાર સાંભળતાં વાર મેરી કાર્પેન્ટર અને તેમનાં ભાઈબહેનને સૌથી પહેલી ચિંતા એ થઈ કે, કોઈ પણ પ્રકારે માતાના મનને ધીરજ આપવી. તેઓ સર્વે માતાને શાંતિ આપવા સારૂ યત્ન કરવા લાગ્યાં. મેરી કાર્પેન્ટર પિતાના કાર્યોમાં સહાયક હતાં અને તેમની સલાહ અને ઉપદેશ પ્રમાણે પ્રત્યેક કાર્ય કરતાં હતાં; તેથી પિતાની ખોટ તેમને માટે અસહ્ય થઈ પડી હતી. પરંતુ ઇશ્વરના મંગલ સ્વરૂપ ઉપર આધાર રાખીને તથા તેની કરુણા ઉપર વિશ્વાસ રાખીને મેરી કાર્પેન્ટર અને તેમનાં માતુશ્રી આ દારુણ શોક સહન કરવાને સમર્થ થયાં