પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન સાધ્વીઓ


એ સૂફી ધર્મનો પ્રચાર ઇરાન દેશમાં અધિક થયો હતો. એ સંપ્રદાયના લોકો કુરાનને ઈશ્વરની વાણી માનીને તેના ઉપર શ્રદ્ધા રાખે છે ખરા, પરંતુ ધર્મપાલનમાં તેઓ પીર કે ગુરુના ઉપદેશ અને પોતાના વિજ્ઞાન તથા વિચારનું અનુસરણ કરે છે. એ સાધનના ત્રણ ઉત્તમ ઉપાય અર્થાત્ પગથીઆં છે : (૧) પાર્થિવ વિષયચિંતાનો ત્યાગ; (૨) બહારના પઠનપાઠનનો પરિત્યાગ કરીને એકાંતમાં એકાગ્રચિત્તે ઈશ્વરનું ધ્યાન અને ઉપાસના તથા રાતદહાડો ‘અલાહ’ ‘અલ્લાહ’ના નામનો જપ; જ્યાંસુધી સૂતાં કે જાગતાં, હાલતાં કે ચાલતાં એ નામ અનાયાસે મોંમાંથી નીકળતું રહે ત્યાં સુધી એનો જપ કર્યા કરવો; અને (૩) ત્યારપછી વાક્યના લોપ થઈને ચિત્ત કેવળ અર્થાકાર અને આકુળવ્યાકુળ ન થઈ જાય ત્યાંસુધી માનસજપ. એને પરિણામે ઇષ્ટસામીપ્ય પામે છે.

જે લોકો એ પ્રકારે ઈષ્ટસામીપ્ય મેળવે છે, તેમને ‘ઇલહામિયા’ કહે છે. ત્યાર પછીની સાયુજ્યની દશાએ પહોંચેલા સૂફીઓ ઇત્તિહાદિયા કહેવાય છે.

વિચાર અને વાદવિવાદથી મનનાં બધાં આવરણ ખસી જતાં ધ્યાન-ચિંતનદ્વારાજ અનંતની ધારણા ફૂટી નીકળે છે. નદીના પાણીમાં પરપોટા ઉઠીને જેમ એમાં ને એમાંજ પાછા લય પામી જાય છે, તેવી રીતે પરમાત્મામાં આત્માને લય પમાડવો એમાંજ માનવજીવનની સાર્થકતા છે; ‘હું’પદનું વિસર્જન કરવું એજ સૂફીની મોટામાં મોટી વાસના છે. આત્મા પરમાત્માનો અંશમાત્ર છે, માટે પરમાત્મામાં આત્માને મેળવી દેવાને સૂફીલોકો પ્રયત્ન કર્યા કરે છે. જળથી ભરેલા ઘડાને જળની વચમાં ડૂબાડી રાખ્યા હોય તેવી રીતે દુનિયામાં ઉત્પન્ન થયેલી દરેક વસ્તુમાં ઈશ્વરનો વાસ છે અને બધા પદાર્થ ઈશ્વરમાં રહેલા છે; એ ઇશ્વરજ એકમાત્ર સત્ય, શિવ અને સુંદર છે; એના ઉપર પ્રેમ રાખવો એ સાર છે, બાકી બધું મિથ્યા માયા છે. મહાકવિ સાદિ કહી ગયા છે કે “હું સત્યસ્વરૂપ ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે, જ્યારે તેણે પોતાની વિભૂતિ મારી આગળ પ્રગટ કરી, ત્યારે હું બીજી બધી વસ્તુઓને મિથ્યા માયાતરીકે ગણવા લાગ્યો.” તુચ્છ પદાર્થોમાં ફસાઈ રહેલા મનને પ્રાકૃતિક સૌંદર્ય, સંગીત, શિલ્પકળા આદિ પાછાં પ્રિયતમાની તરફ દોરવે છે. એ પ્રેમનું મનુષ્યે કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ અને સંયમ તથા ધ્યાનચિંતન