પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
સાધ્વી મેરી કાર્પેન્ટર

જોઇને ઘણો આનંદ પામતાં અને ઈશ્વરને ધન્યવાદ આપતાં.

મહાત્મા જોન પાઉન્ડસની શિક્ષણપદ્ધતિ

મેરી કાર્પેન્ટર જે સમયમાં આ પ્રમાણે હલકા વર્ગના લોકોના ઉદ્ધારનું કાર્ય કરી રહ્યાં હતાં તેવામાં ઈ. સ. ૧૮૪૩ માં લૉર્ડ યાસલિએ હલકા વર્ગના લાકોમાં શિક્ષણના પ્રચાર કરવા સંબંધી એક અરજી પાર્લામેન્ટમાં રજુ કરી, પરંતુ ઘણા સભાસદો એ પ્રસ્તાવની વિરુદ્ધ પડ્યાથી એ કાયદો પસાર થઈ શક્યો નહિ. કાયદાની મદદથી હાલને માટે એ કાર્ય સધાવાનો કોઈ સંભવ નથી એમ ધારીને જનહિતેષી માણસો પોતપોતાના નગરમાં હલકા વર્ગના લોકોમાં શિક્ષણ ફેલાવવાનો પોતાથી બનતો પ્રયત્ન કરવા લાગ્યા. ઇ. સ. ૧૮૩૯ માં એ પ્રખ્યાત પરોપકારી મહાત્મા જૉન પાઉન્ડસનું મૃત્યુ થયું. રસ્તામાં રખડતાં તોફાની, દુરાચારી બાળકોને એ મહાત્મા પોતાને ઘેર લઈ જઈને કેવી રીતે શાંત કરતા તથા ધર્મનીતિનું શિક્ષણ આપતા એ જોઇને ઘણાઓનું ધ્યાન એ માર્ગ તરફ ખેંચાયું હતું. એ મહાત્માને પગલે ચાલીને એ લોકોએ પણ એક દરિદ્ર વિદ્યાલય સ્થાપવાનો યત્ન કર્યો.

મફત નિશાળની સ્થાપના

મેરી કાર્પેન્ટરે જોયું કે, દરિદ્રવિદ્યાલય સ્થાપવું એ પોતાના જીવનના ઉદ્દેશ સિદ્ધ કરવાના સુંદર ઉપાય છે. ઇ. સ. ૧૮૪૬ માં નિરાધાર ગરીબ બાલકબાલિકાઓને સારૂ તેમણે એક દરિદ્રવિદ્યાલયની સ્થાપના કરી. પ્રારંભમાં તો એ તોફાની અને દુર્ગુણી બાલકબાલિકાઓને શાંત અને કહ્યાગરાં કરવામાં તેમને ઘણી મહેનત પડી. એક દિવસ થોડાક વખત ભણ્યા પછી વિદ્યાર્થીઓમાંથી એક છોકરો બોલી ઉઠ્યો “ચાલો હવે આપણે યુદ્ધ કરવા જઈએ.” આ શબ્દો નીકળતાંજ લગભગ વીસ બાળકો મારામારી કરવા મંડી પડ્યાં. થોડી વાર પછી બધાં શાંત થયાં ખરાં, પરંતુ આવા બનાવ નિશાળમાં ઘણી વાર બન્યા કરતા. ઇંગ્લઁડજેવા ઠંડા દેશમાં એ બાળકોમાં કોઈની પાસે મોજાં, જોડા કે ગરમ કપડાં નહોતાં. ઘણાંને તો રહેવાને ઘર પણ નહોતું. એ લોકો બીજાઓનાં ઘરની સીડીમાં કે નદીના કિનારા ઉપરના વિસામામાં રાતને સમયે જઈને સૂઈ જતાં અને દિવસને વખતે ચોરી વગેરે દુરાચાર કરીને જીવનનિર્વાહ કરતાં. મેરી કાર્પેન્ટરે આ નિશાળમાં મુખ્યત્વે કરીને ધર્મ અને નીતિનું શિક્ષણ આપવા માંડ્યું.