પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અત્યંત આવશ્યકતા છે એવું પ્રતિપાદન કરનારું એક પુસ્તક મેરી કાર્પેન્ટરે લખ્યું. જનસમાજના કલ્યાણને સારૂ ત્રણ પ્રકારનાં વિદ્યાલયની આવશ્યકતા છે, તે બતાવવાનો આ પુસ્તકમાં યત્ન કરવામાં આવ્યો હતો. પહેલી આવશ્યકતા મફત શિક્ષણ આપનાર વિદ્યાલયોની છે; બીજી જરૂર હુન્નરકલા શીખવનાર વિદ્યાલયની છે અને ત્રીજી આવશ્યકતા અલ્પ વયનાં અપરાધીઓને માટે કેદખાનાને બદલે એક સુધારક કારાગાર અથવા વિદ્યાલયની છે. ઘણી સચોટ દલીલો અને ખરા બનેલા દાખલાઓથી તેમણે એ પુસ્તકમાં સુધારક – વિદ્યાલયની આવશ્યકતા સાબીત કરી આપી છે. એ વિદ્યાલયને સારૂ શા શા ઉપાય લેવા પડશે અને કેવા કેવા નિયમો ઘડવા પડશે, તે પણ તેમણે એ પુસ્તકમાં બતાવ્યું. વિલાયતના લોકોએ પહેલાં એ વિષય સંબધી કદી પણ વિચાર કર્યો ન હતો; પરંતુ મેરી કાર્પેન્ટરની એકાગ્રતા અને એકનિષ્ઠાને લીધે તેમને એ વિષય ઉપર ધ્યાન આપવાની ફરજ પડી. તેમના યત્નથી એ સબંધી સભા બોલાવવામાં આવી અને એ સભાઓમાં અલ્પ વયનાં અપરાધીઓને લગતો તેમનો અનુભવ અને તેમના ઉદ્ધારના ઉપાયસંબંધી વર્ણન કરવામાં આવ્યું. પાર્લામેન્ટમાં પણ એ સંબંધી દરખાસ્ત રજુ કરવામાં આવી. પરંતુ કાયદાની મદદથી એ જરૂરના વિષયમાં જલદી સફળતા મળવાનો કોઈ સંભવ જણાયો નહિ.

સુધારક વિદ્યાલયની સ્થાપના

મેરી કાર્પેન્ટર જે કાર્યને સારું ગણતાં તે કાર્યને સહજમાં છોડી દેતાં નહિ. સુધારક વિદ્યાલય સ્થાપવાની દરખાસ્ત પાર્લામેંટની મહાસભામાં મંજુર ના થઈ તેથી તેમણે પોતાનો સંકલ્પ છોડી દીધો નહિ; બલ્કે એમનો સંકલ્પ વધારે દૃઢ બન્યો અને એ બધાં બાલકબાલિકાઓ સ્વતંત્રપણે કોઈ નીતિપરાયણ વ્યક્તિની દેખરેખ નીચે રહીને વિદ્યાભ્યાસ કરે, ધર્મનું શિક્ષણ મેળવે તથા હુન્નરઉદ્યોગ શીખે એટલા સારૂ તેમણે જાતે એક સુધારક વિદ્યાલયની સ્થાપના કરી. તેમના આ મહાન ઉદ્દેશની જ્યારે દેશવાસીઓને ખબર પડી ત્યારે ચારે તરફથી તેમની મદદને સારૂ નાણાં આવવા માંડ્યાં. તેમના એક મિત્રે એ વિદ્યાલય સારૂ મેજ, ખુરસી વગેરે ભેટ મોકલ્યાં. ઈ. સ. ૧૮પર ની ૧૧ મી સપ્ટેમ્બરે એ વિદ્યાલયની સ્થાપના થઇ. એ દિવસ સંબંધી મેરી કાર્પેન્ટર લખે છે :– “આજ મારું મન આશા અને ભયથી પૂર્ણ છે, હું એ