પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાર્ય યોગ્ય રીતે ચલાવી શકું તેને માટે મારી પાસે પ્રાર્થના સિવાય બીજો કાંઈ પણ આધાર નથી.” દરિદ્ર વિદ્યાલયમાં શિક્ષણ આપી આવ્યા પછી જે સમય બચતો તે સમય્ મેરી કાર્પેન્ટર આ સુધારક વિદ્યાલયમાં ગાળતાં હતાં. આટલા દિવસ તેમના મનમાં એ વિદ્યાલયને માટે જે એક પ્રકારની ચિંતા અને અધીરાઈ હતી તે હવે દૂર થઈ અને હૃદય શાંત થયું. દરિદ્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓને જે પ્રેમદ્વારા સત્પથે આણ્યા હતા, તેજ પ્રેમ તેમણે સુધારક–વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રતિ દર્શાવ્યો. તેમનો દૃઢ વિશ્વાસ હતો કે, કઠોર નિર્દય વ્યવહાર કરવાથી માનવ હૃદય, માનવચરિત્ર કદી પણ સુધારી શકાતું નથી. પરંતુ પ્રેમ અને કોમળ વ્યવહાર એજ માનવચરિત્રને સુધારવાનો એકમાત્ર ઉપાય છે. એ પ્રેમદ્વારાજ એમણે એ અસભ્ય, અદમ્ય અને કઠિન હૃદયનાં બાળકોને સંપૂર્ણરૂપે સુધારીને સારે રસ્તે આણ્યાં હતાં. એક માસ પૂરો થતાં ન થતાંમાં તો જોવામાં આવ્યું કે, એ વિદ્યાલય દ્વારા પુષ્કળ કલ્યાણ સધાયું છે. મેરી કાર્પેન્ટર લખે છે કે :–“એક નાનો બાળક જેને પરાણે કેદ કરી રાખવામાં આવ્યો હતો તેને જ્યારે મારી આગળ લાવવામાં આવ્યો, ત્યારે મારા ખભા ઉપર હાથ મૂકીને રોતાં રોતાં તેણે પોતાનાં બધાં દુઃખની કહાણી મને કહી દીધી. મેં આદરપૂર્વક તેને કેટલાંક ચુંબન કર્યાં એટલે તેનું બધું દુઃખ દૂર થઈ ગયું. હું સારી પેઠે સમજી ગઈ કે, હું તેને ચાહું છું એ તે સારી પેઠે સમજે છે. તેનો પ્રેમ પ્રાપ્ત કર્યાથી મેં ઈશ્વરનો ઘણો ઉપકાર માન્યો.” આ પ્રમાણે ક્ષુદ્ર પાપીઓને મેરી કાર્પેન્ટર પુણ્યવાન કરવા લાગ્યાં. ટાઢ કે વરસાદની પરવા નહિ કરતાં એ દરરોજ બ્રિસ્ટલ નગરના દરિદ્ર વિદ્યાલયથી કિંગ્સ વ્યૂહમાં આવેલા આ સુધારક્ વિદ્યાલય સુધી પગે ચાલીને જતાં.

દરિદ્રવિદ્યાલય અને સુધારક વિદ્યાલયને કોઈ પણ પ્રકારે સરકારનું અનુમોદન અને મદદ મળે તેને સારુ મેરી કાર્પેન્ટર અત્યંત પરિશ્રમ કરવા લાગ્યાં. પોતાની સન્મુખ મોટું અનિષ્ટ થઈ રહ્યું છે, ઈશ્વરનાં સંતાનોની ઉન્નતિ કરવાનો કેાઈ ઉપાય થતો નથી, છતાં પણ તેને રોકવાને કાંઇ પણ યત્ન નહિ કરતાં આળસુ થઈને બેસી રહેવું એ તો મેરી કાર્પેન્ટરના સ્વભાવમાંજ નહોતું.એ બંને વિદ્યાલયો સારૂ તેમણે સરકાર આગળ કેટલીક અરજીઓ મોકલી હતી, પાર્લામેન્ટના સભાસદો સાથે મુલાકાત કરીને તેની