પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતી. મિસ્ટર હ્યુઝ, મિસ્ટર લડલો, મિસ્ટર બ્રાઈટ વગેરે બુદ્ધિમાન પુરુષોએ એ ધિક્કારવા યોગ્ય રિવાજની વિરુદ્ધ લેખિની ધારણ કરી હતી. અમેરિકામાં ગુલામો ઉપર થતા આ અત્યાચારની વાત સાંભળીને કોમલહ્રદયા મેરી કાર્પેન્ટરનુ હૃદય પીગળી ગયું હતું. તેમનાથી નિશ્ચિંત થઇને બેસી રહેવાયું નહિ. લૉઇડ ગેરિસન, થિયોડર પાર્કર વગેરે બુદ્ધિમાન પુરુષોની સાથે મળીને મેરી કાર્પેન્ટર ગુલામીની પ્રથાનો તીવ્ર વિરોધ કરવા લાગ્યાં અને જે લોકો એ રિવાજ બંધ પાડવા માગતા હતા તેમને તનમન ધનથી ઉત્સાહિત કરવા લાગ્યાં. ગુલામી પ્રથાના વિરોધી તેમની સહાનુભૂતિ અને ઉત્સાહપૂર્ણ વચનોથી વિશેષ પ્રોત્સાહિત થયા હતા અને દૃઢ સંકલ્પ દ્વારા એ ઘૃણિત વ્યવસાયનો ઉચ્છેદ કરવા સમર્થ થયા હતા. કોઈ પણ દેશમાં જનસમાજની દુર્દશાની વાત સાંભળવામાં આવતાંવારજ મેરી કાર્પેન્ટરનો પ્રાણ આકુળવ્યાકુળ થઈ જતો અને તેનું નિવારણ કરવા ખરા અંતઃકરણપૂર્વક યત્ન કરતાં; તથા જ્યાંસુધી એ કાર્ય સિદ્ધ થાય નહિ ત્યાં સુધી પાછાં હઠતાં નહિ.

૮ – ભારતવર્ષની સેવા

ભારતવર્ષ માં પધારવાનો યત્ન

ઈ. સ. ૧૮૬૦ ની શરદ્ઋતુમાં ભારતવર્ષના એક દેશી ખ્રિસ્તીનું ઈંગ્લઁડમાં જવું થયું. ત્રીસ વર્ષ પહેલાં મહાન સુધારક રાજા રામમોહન રાયે ઇંગ્લઁડમાં પધારીને મેરી કાર્પેન્ટરના હૃદયમાં ભારતવર્ષને સારૂ જે સ્નેહ અને ઉત્સાહનાં બીજ રોપ્યાં હતાં, તે આ નવા આવેલા ભારતવાસીઓને જોતાંવારજ પ્રજ્વલિત થઈ ગયાં. ભારતવર્ષમાં જઈને ત્યાંથી સ્ત્રીઓની શોચનીચ અવસ્થાની જાતે તપાસ કરવાનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો. ઇ. સ. ૧૮૬૪ ની ૧૨ મી જાન્યુઆરીની ડાયરીમાં એ લખે છે :- “હું પ્રતિજ્ઞા કરૂં છું કે, આજથી ભારતની સ્ત્રીઓનું કલ્યાણ કરવામાં હું મારૂં સમગ્ર મન પરોવીશ. ઈશ્વર મને બળ આપજો કે જેથી હું આ પ્રતિજ્ઞા પાળવામાં સમર્થ થાઉં.” સ્વદેશમાં તેમને ઘણાં મોટાં કાર્ય કરવાનાં હોવા છતાં ભારતવર્ષની સ્ત્રીજાતિની દુઃખી અવસ્થાથી તેમનો કોમળ પ્રાણ એટલો બધો દ્રવીભૂત થયો કે સ્વદેશનાં કર્તવ્યો તેમને રોકી રાખી શક્યાં નહિ.

ભારતવર્ષ સંબંધી અનુભવ

ઈ. સ. ૧૮૬૬ માં મેરી કાર્પેન્ટર મુંબઈ આવ્યાં. ભારતમાં