પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધ્વી રાબેયા

પૂર્વક પોતાની બધી ચિંતા ઈશ્વરને સંપી દેવી જોઈએ; અને એ પ્રમાણે ધીમે ધીમે તેનું સાન્નિધ્ય પ્રાપ્ત કરીને એક થઈ જવું જોઈએ. હિજરીના બીજા સૈકામાં સૂફી ધર્મ અદ્વૈતવાદનો આશ્રય લઈને અનેક લોકોની આંખે રહસ્યમય થઇ પડ્યો. એ કારણને લીધે એ સંપ્રદાયને સુસલમાન સમાજમાં વિશેષ અપમાન સહન કરવું પડ્યું. એને લીધેજ એ લોકો પોતાના મતને છુપાવી રાખવાનો યત્ન કરે છે. “હું સત્યસ્વરૂપ છું, જેને હું ચાહું છું તેજ હું છું અને હું તે તેજ છે. અમારા બન્નેમાં અભેદ છે.” એવા મતનો પ્રચાર કર્યાથી હિજરી સન ૩૦૯માં બગદાદના અલહલ્લાજ નામના ગૃહસ્થે પ્રાણ ખોયો હતો.

મુસલમાન જગતમાં જેટલા ભક્ત થયા છે તેમનાં જીવનવૃત્તાંત અને ઉપદેશનો સંગ્રહ કરીને સૂફી સાહિત્ય આપણા વૈષ્ણવ સાહિત્યની પેઠે અવનવા મધુર રસોથી પરિપૂર્ણ થઈ રહ્યું છે. એ સૂફી લેખકોમાં મહાકવિ સાદિ, હાફિજ, અમીર ખુશરો અને વાર્તાલેખક નિઝામી, સનાઈ, ફરિદુદ્દીન અત્તાર તથા મૌલાના જલાલુદ્દીન રૂમી મુખ્ય છે. ખુશરો તો એટલે સુધી કહે છે કે “પ્રભુ પ્રેમજ મારી પૂજાની સામગ્રી છે. ઇસ્લામની મારે શી પરવા છે ?”×[૧] એ બધા કવિ અને લેખકોના ગ્રંથો સુકી લોકાના આદર અને પૂજાની સામગ્રી છે. જલાલુદ્દીનની ‘મસનવી’ એ ધર્મનો મુખ્ય શ્રદ્ધાપાત્ર ગ્રંથ છે.

એ સૂફી ભક્તોની ઉપાસનાપદ્ધતિ જૂદી જૂદી છે. તેઓ કુરાનશરીફમાં નિષેધ કરેલી વસ્તુઓનો કાંઈ અવનવા કલ્પિત અર્થ શોધી કાઢીને તેનેજ ઉપાસનાનું અંગ બનાવી દે છે. જેમકે મદ્ય = ઈશ્વરપ્રેમ; સાકિ = ગુરુ; પ્રેમિકાનો અલકદામ = ગુરુનો પ્રશંસાવાદ ઈત્યાદિ. ઉપાસનાને તેઓ સુલૂક (યાત્રા) કહે છે અને ઉપાસકને સાલિક (યાત્રાળુ) કહે છે. એ યાત્રાના માર્ગની આઠ અવસ્થા છે :– (૧) આબ્રૂદિયત :– અર્થાત્ સેવા; (૨) ઇશ્ક અથવા પ્રેમ; (૩) જુહદ – અર્થાત્ નિવૃત્તિ કે એકાંતવાસ; (૪) મારિફત - અર્થાત્ જ્ઞાન (૫) વાજૂદ કે હાલ – અર્થાત્ મત્તતા; (૬) હકીકત – અર્થાત સત્ય; (૭) વસ્લ – અર્થાત્ મેળાપ કે સાયુજ્યલાભ; (૮) ફના – અર્થાત્ નિર્વાણ.


  1. ×ખુશરો કહે છે–

    કાફિરે ઈશ્કમ મુસલમાની મરા દરકાર નેસ્ત,
    હર રગે મન તાર ગત હાજતે જન્નાર નેસ્ત.