પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જઈને કયું ખાસ કામ કરવું છે તે તેમણે પહેલેથી નક્કી કરી રાખ્યું નહોતું પરંતુ કેદખાનાની સુધારણા અને બીજા પરોપકારી કાર્યોસંબંધી તેમના અનુભવની ખ્યાતિ ભારતવર્ષમાં પહોંચી ચૂકી હતી. મુંબઇ આવી પહોંચતાંજ ભારત સરકારે સ્ત્રીકેળવણી, કેદખાનાની સુધારણા વગેરે જનહિતકારી કાર્યોસંબંધી તેમનો અભિપ્રાય જાણવાની ઇચ્છા દર્શાવી. એથી કાર્ય માટે માર્ગ દેખાઇ આવ્યો. જો કે એ સમયમાં કલકત્તા, મુંબઈ, પૂના વગેરે કેટલાંક શહેરોમાં કન્યાશાળાઓ સ્થપાઈ હતી, પરંતુ તેમની દશા શોચનીય હતી. ઘણી થોડી બાલિકાઓ નિશાળમાં ભણવા જતી અને એમાંની લગભગ બધી અગિયાર બાર વર્ષ પહેલાં નિશાળેથી ઉઠી જતી. જે જ્ઞાનનો અંત નથી, જે જ્ઞાનપ્રાપ્તિ સંબંધી મહાજ્ઞાની ન્યૂટન કહી ગયા છે કે, “હું હજુ જ્ઞાન–સમુદ્રના કિનારા ઉપરના પથરા વીણી રહ્યો છું” એ જ્ઞાનપ્રાપ્તિ ભારતવાસી બાલિકાઓ દશ અગિયાર વર્ષની વયેજ સંપૂર્ણ કરી દેતી હતી. આ અવસ્થા જોઇને મેરી કાર્પેન્ટર અવાક થઈ ગયાં. તેમને બીજું આશ્ચર્ય એ લાગ્યું કે, છોકરીઓને શિક્ષણ આપવા માટે દરેક નિશાળમાં પુરુષશિક્ષકો હતા. મહેતીજીઓ મેળવવી એ ઘણું અઘરું કામ હતું.

મુંબઇ નગરીમાં પહોંચ્યા પછી થોડા દિવસ બાદ એ અમદાવાદ નગરમાં પધાર્યા. ત્યાંનું ભદ્રના કિલ્લામાં આવેલુ ભયંકર કેદખાનું, હોસ્પિટલ, ગાંડાનું દવાખાનું, નિશાળો વગેરેની તપાસ કરી અને સાથે સાથે ભારતવર્ષના લોકોનાં ચારિત્ર અને તેમને શી શી વાતની ખોટ છે તેની પણ જાતે તપાસ કરીને ભારતવર્ષની એ વખતની અવસ્થાસંબંધી ઘણું સારું જ્ઞાન મેળવ્યું. પ્રખર અવલોકનશક્તિ અને ઉંડા અનુભવને લીધે ભારતવર્ષના ભિન્ન ભિન્ન પ્રકારના વતનીઓના જીવનનું અવલોકન કરતાં તેમને ઘણો આનંદ થતો. ફુરસદના વખતમાં એ ભારતના અસીમ પ્રાકૃતિક સૌંદર્યનાં ચિત્ર કાઢતાં અને એ ચિત્રોદ્વારા ભારતવર્ષ ઉપરનો પોતાનો અનુરાગ પ્રગટ કરતાં. તેમણે જનસેવાનાં અમૂલ્ય કાર્યોદ્વારા ભારતપ્રેમનો પરિચય આપ્યો છે, એટલું જ નહિ પરંતુ ચિત્રકલાદ્વારા પણ તેમના હૃદયનો એ ઉંડો ભાવ પ્રગટ કર્યો છે. અમદાવાદ શહેરમાંજ ભારતવર્ષમાં કરવાનાં કામોની પદ્ધતિ એમણે નક્કી કરી. ભારતવર્ષમાં સ્ત્રીકેળવણીમાં જે જે વિઘ્નો આડે આવે છે તેની તેમને થોડી ઘણી ખબર હતી. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં