પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્ત્રીઓને માટે શિક્ષણનો ઉચ્ચ આદર્શ રાખવામાં આવ્યો હતો એ વાત ખરી, પરંતુ હાલના સમયમાં દેશના લોકો એ બાબત માટે તદ્દન ઉદાસીન અને બેપરવા થઈ ગયા હતા. મેરી કાર્પેન્ટરે કલકત્તા, પૂના, અમદાવાદ, મદ્રાસ, મુંબઈ વગેરે સ્થળોની કન્યાશાળાઓની તપાસ કરી. કલકત્તામાં જઈને બેથ્યુન સ્કુલની તપાસ કરી, અને બ્રાહ્મસમાજની ઉપાસનામાં પણ સામેલ થયાં.

તેમણે ભારતવર્ષના સરકારી અમલદારોનું ધ્યાન ત્રણ વાતો તરફ ખેંચ્યું; ૧–સ્ત્રીકેળવણી, ૨–સુધારક વિદ્યાલય અર્થાત્ નાની ઉંમરના અપરાધીઓને સુધારવાની નિશાળ અને ૩–કેદીઓની અવસ્થામાં સુધારો.

તેમના અખૂટ ઉત્સાહ અને સતત પરિશ્રમનું પરિણામ એ આવ્યું કે, દેશ માટે લાગણી ધરાવનાર મનુષ્યોને એ વિષય ઉપર ધ્યાન આપવાની ફરજ પડી. એ બધા હવે સ્ત્રીકેળવણીની આવશ્યકતા સમજવા લાગ્યા અને સ્ત્રીઓને ભણાવવાની બાબતમાં ખુલ્લી રીતે ઉત્તેજન આપવાનો આરંભ કર્યો. નારીજીવનનો ઉદ્દેશ અતિ ઉચ્ચ અને મહાન છે. યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો સ્ત્રીઓ જગતનું ઘણું મોટું ક્લ્યાણ કરી શકે એમ છે. ભારતવર્ષની સ્ત્રીઓની હીન અવસ્થા તથા તેમના જીવનનું ટુંકુ લક્ષ્ય જોઈને મેરી કાર્પેન્ટર અત્યંત દુઃખી થયાં. એમનો દૃઢ વિશ્વાસ હતો કે, ભારતવર્ષની સ્ત્રીઓ કેળવણી પામશે નહિ ત્યાંસુધી ભારતવર્ષ જગતના બીજા દેશોની સાથે યોગ્ય સ્થાન કદી મેળવશે નહિ. જનસમાજમાં એ વિચાર ઠસાવવા સારૂ એમણે ખરા અંતઃકરણથી યત્ન કર્યો. એ કહેતાં કે “આ મહાન કાર્ય પાર પાડવાના માર્ગમાં ઘણાં વિઘ્નો ઉભાં છે એ વાત ખરી છે, પણ હું મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું કે, દૃઢ વિશ્વાસ, ખંત અને અખૂટ ઉત્સાહ હશે તો બધાં વિઘ્નો પલાયન કરી જશે અને આ કામમાં સિદ્ધિ મળશે.”

મફ્ત શિક્ષણ આપનારી કન્યાશાળા

કલકત્તા ગયા પછી તેમણે હલકા વર્ણની બાલિકાઓ માટે મફત શિક્ષણ આપનારી કન્યાશાળાની સ્થાપના કરી. એ અરસામાં હિંદના વાઈસરોય સર જોન લોરેન્સ સીમલાથી કલકત્તા પધાર્યા અને તેમણે મેરી કાર્પેન્ટરને સરકારી મહેલમાં નિવાસ કરવાનું આમંત્રણ કર્યું. સ્ત્રીકેળવણી અને જેલના સુધારા વિષે મેરી