પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાર્પેન્ટરે જે સૂચનાઓ કરી હતી તથા જે ઉપાય નક્કી કર્યા હતા, તેને અમલમાં મૂકવાના કામમાં સર જૉન લૉરેન્સ અને લેડી લૉરેન્સે તેમને અનેક પ્રકારની મદદ આપી. સરકારી મહેલમાંથી ભારતવર્ષની સ્ત્રીઓ સંબંધી તેમણે એક પત્ર પોતાની બહેનને લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે “હઠીલા અને જૂના વિચારના લોકો મારી સાથે મુલાકાત કરવા આવતા નથી. હું તેમનાથી ભિન્ન ધર્મ પાળનારી છું એટલા માટે તેઓ મને મળવા આવતા નથી એવું નથી, હું ભારતવર્ષની સ્ત્રીઓની અવસ્થા સુધારવા અને તેમને શિક્ષણ આપવા આવી છું; એજ એકલા કારણને લીધે તેઓ મારી પાસે આવતા નથી. સ્ત્રીઓ ભણેલી થાય અને તેમની દશા ઉન્નત થાય તો પછી પુરુષો તેમને સંપૂર્ણરૂપે ગુલામગીરીની દશામાં રાખી શકશે નહિ, એવા સ્વાર્થી વિચારથી દોરવાઇને એ જૂના વિચારના લોકોએ જાણી જોઇને મારી સાથેનો સંસર્ગ છોડી દીધો છે. એવા લોકો માટે મને પણ કાંઈ લાગણી ઉત્પન્ન થતી નથી. પરંતુ એવા અનેક ઉદારપ્રકૃતિસંપન્ન વિદ્વાન અને ઉન્નતચરિત્ર પુરુષો છે કે જેમના કાર્ય સાથે મારી સંપૂર્ણરૂપે દિલસોજી છે.” કલકત્તાના નિવાસદરમિયાન મેરી કાર્પેન્ટરે કેટલાંક ભાષણો આપ્યાં. એક સભામાં તેમણે ઈંગ્લઁડની સમાજ-વિજ્ઞાન સભાના કાર્યનું વિવરણ કર્યું. એ સભાને બીજે વર્ષે બંગાળામાં સમાજ-વિજ્ઞાન સભાની સ્થાપના થઈ.

ફિમેલ નોર્મલ સ્કૂલનો પ્રસ્તાવ

એમના પ્રયત્નથી દેશમાં કેટલીક કન્યાશાળાઓ તો સ્થપાઇ, પરંતુ કન્યાશાળામાં શિક્ષણ આપવા માટે પૂરતી સ્ત્રીશિક્ષકો મળી શકી નહિ. સુયોગ્ય સ્ત્રીશિક્ષકો વગર બાલિકાઓને સારું શિક્ષણ મળવાની આશા ઘણી થોડી હતી; એવું જોઈને તેમણે સ્ત્રીશિક્ષકો તૈયાર કરવા સારૂ ફિમેલ નોર્મલ સ્કૂલની સ્થાપના કરવાનો યત્ન આરંભ્યો. એ વિષયનું પ્રયોજન બતાવીને એ વખતના ભારતસચિવ લૉર્ડ સેલ્સબરીને સઘળી હકીકત નિવેદન કરી. ભારતના એ વખતના ગવર્નર જનરલ સર જૉન લૉરેન્સ, બંગાળાના લેફ્ટનન્ટ ગવર્નર સર રિચર્ડ ટેમ્પલ, શિક્ષાવિભાગના ડાઈરેક્ટર અને બીજા મુખ્ય મુખ્ય અમલદારોને મળીને સ્ત્રીશિક્ષણ અને ફિમેલ નોર્મલ સ્કૂલ સ્થાપવાની મોટી આવશ્યકતા સમજાવી દીધી.

મેરી કાર્પેન્ટર ભારતવર્ષમાં એક વર્ષ સુધી રહીને સ્ત્રીકેળવણી,