પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
મહાન સાધ્વીઓ

કારાગૃહની ઉન્નતિ કરવા સંબંધી તેમણે ભારત સરકાર આગળ કેટલીએ વાર અરજીઓ આપી. પહેલાં તો કેદીઓને માટે એક જૂદા શયનગૃહના અભાવ ઉપર કર્તાકારવતાઓનું ધ્યાન ખેંચ્યું. જૂદા જૂદાં શયનગૃહો ન હોવાથી એક એક ઓરડીમાં લગભગ ચાળીસ પચાસ કેદી સાથે સૂઈ રહેતા. બીજું યોગ્ય શિક્ષકના તાબામાં રાખીને કેદીઓને શિક્ષણ આપવાની આવશ્યકતા સાબીત કરી આપી. ત્રીજું, તેમણે જણાવ્યું હતું કે, સ્ત્રીકેદીઓની અવસ્થા સુધારવી જોઇએ, તેમને યોગ્ય શિક્ષણ આપવું જોઇએ, તેમને માટે ભિન્ન ભિન્ન શયનગૃહનો બંદોબસ્ત હોવો જોઇએ અને સ્ત્રી કાર્યાધ્યક્ષની દેખરેખ નીચે તેમને રાખવાની વ્યવસ્થા થવી જોઈએ.

ઇ. સ. ૧૮૭ર માં દુનિયાનાં કારાગારોની ઉન્નતિ કરવા સંબંધી વિચાર ચલાવવા ઈંગ્લઁડમાં એક આંતર્જાતીય કાઁગ્રેસ એકઠી થઈ. મેરી કાર્પેન્ટરે કારાગારની ઉન્નતિ સંબંધી પોતાની સૂચનાઓ લખી કાઢીને એ કાઁગ્રેસમાં એક નિબંધ વાંચ્યો. એ વિષયને માટે જે જે જનહિતૈષી મહાત્માઓની સાથે તેમને પત્રવ્યવહાર થયો હતો, તેમની સાથે આ કાઁગ્રેસમાં સાક્ષાત્ પરિચય થયો. એ બધાએ મેરી કાર્પેન્ટરનો ઘણા આદરપૂર્વક સત્કાર કર્યો અને તેમણે કરેલી કારાગાર-સુધારણાના પ્રસ્તાવનું સમર્થન કર્યું. ત્યાર પછી થોડા સમયબાદ અમેરિકાના કારાગારની અવસ્થા જોવા સારૂ એ અમેરિકા ગયાં. અમેરિકામાં પણ ભારતની સ્ત્રીશિક્ષા તથા સાધારણ અવસ્થા સંબંધી તેમણે ઠેકાણે ઠેકાણે ભાષણો આપ્યાં હતાં.

મેરી કાર્પેન્ટરે છેવટે ભારતવર્ષમાં પધારીને ભારતનાં મુખ્ય મુખ્ય નગરોની મુલાકાત લીધી અને સ્ત્રીશિક્ષણ તથા કારાગારની અવસ્થાસંબંધી એક વિવરણ લખીને લૉર્ડ સેલ્સબરી આગળ રજુ કર્યું. તેમણે કારાગારસંબંધી જે વિવરણ લખી મોકલ્યું હતું તે બીજેજ વર્ષે પાર્લામેન્ટમાં વિચાર માટે ઉપસ્થિત થયું. નાની વયનાં અપરાધીઓને સુધારવા સારૂ એક વિદ્યાલયનું પ્રયોજન છે એવી તેમણે જે સૂચના કરી હતી તે ઇ. સ. ૧૮૭૬ માં ભારત સરકાર તરફથી કાયદાના રૂપમાં અમલમાં આવી. વર્તમાન સમયમાં ભારતવર્ષના કેદીઓની અવસ્થામાં જે કાંઇ સુધારો જણાય છે અને ભારતવર્ષમાં જે થોડાં ઘણાં સુધારક વિદ્યાલયો સ્થપાયાં છે, તેનું મૂળ મેરી કાર્પેન્ટર હોઇને તેનો બધો યશ તેમનેજ છે.