પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
મહાન સાધ્વીઓ

વાતચીત થતી. ધર્મચર્ચા મને બહુજ ગમતી હતી. નાની વયથી હું તેમાંથી આનંદ મેળવતી હતી. ઈશ્વરના પવિત્ર ભાવ મારા ચિત્તને પોતાની તરફ ખેંચતો. મને યાદ છે કે, એક દિવસ એ ભાવની એક કવિતા વાંચીને હું આનંદમાં ઘેલી થઈ ગઈ હતી.”

કુમારી કૉબનાં જે સ્નેહમયી માતાએ પોતાના ચારિત્રના સૌંદર્ય તથા હૃદયના માધુર્યવડે ઘરને મધુમય કરી દીધું હતું, તેમને કરુણામય પ્રભુએ હવે પોતાની પાસે બોલાવી લીધાં. એ સંબંધી કુમારી કૉબે પેતાના આત્મચરિત્રમાં લખ્યું છે કે :– “એ સમયમાં મારાં માતુશ્રીનું મૃત્યુ થયું. હું માતાને જેટલું ચાહતી તેટલું બીજા કોઈને ચાહતી નહોતી. માતા પણ બીજા કોઈ સંતાનને મારા જેટલું ચાહતાં નહોતાં. માતાના મૃત્યુ પછી મને એવું લાગતું કે તેમનું જીવન હવે કોઈ પણ સ્થાને નહિં હોય. એ વખતે મારી માન્યતા એવી હતી કે મૃત્યુ પછી કંઇજ રહેતું નથી. હાય ! આ સંસારમાં જે મને સૌના કરતાં વધારે વહાલી હતી,તેનો તદ્દનજ અંત આવી ગયો ! હું એ માટે બહુ શોક કરવા લાગી, પણ પછી ઈશ્વરનો મંગળભાવ ઝળકવા લાગ્યો. મને વિચાર આવ્યો કે મારી સન્મુખ અનેક કર્તવ્યો છે. જો બીજાઓની ખાતર હું કાંઇ પણ કરી શકું તો મારા જીવનનાં સઘળાં દુઃખ અને ક્લેશ ચાલ્યાં જશે, હવેથી ઘરના બધાજ વહિવટ મેં હાથમાં લીધા. પિતાજીની પણ મારેજ સેવાચાકરી કરવી પડતી. મારા ગામમાં એક નિશાળ હતી. એ નિશાળ મારા ઘરથી એક માઇલ છેટે હતી. હું એ નિશાળમાં અઠવાડીઆમાં ત્રણ દિવસ ભણાવવા જતી. અમારી પડોશનાં બે ગામડાંઓનાં માંદાં લોકોની સેવા કરતી અને ભૂખ્યાને અન્નની મદદ આપતી.”

દર્શનશાસ્ત્રનું અવલોકન કરવાથી કુમારી કૉબને પરકાળસંબંધી સંશય ઉત્પન્ન થયો હતો; પણ મહાત્મા થિયોડર પાર્કરે તેમને એક પત્ર લખ્યો. એ વખતે એ મહાત્માનો એક ઉત્તમ ઉપદેશ પણ તેમના હાથમાં પહોંચ્યો. એ ઉપદેશ વાંચવાથી એ ધર્મશીલા સાધ્વીને પરકાલના વિષયમાં કાંઈ પણ સંશય રહ્યો નહિ. પોતાની એ સમયની અવસ્થા વિષે એ લખે છે કે :– “જે વખતે આત્માના અમરત્વ ઉપર વિશ્વાસ ઉપજ્યો, તે વખતે મને કેટલો બધો આનંદ થયો હતો ! કેટલી બધી શાંતિ વળી હતી ! - હું વિચારવા લાગી કે, મૃત્યુથી માતુશ્રીનું જીવન કંઇ સમાપ્ત નથી