પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
મહાન સાધ્વીઓ

પાર્કરની ગ્રંથાવલિ પ્રગટ થઈ. એનું સંપાદનકાર્ય એમણે ઘણી ઉત્તમ રીતે કર્યું હતું. એ ઉપરાંત એમણે પોતે રચેલા કેટલાક ગ્રંથો પણ છપાવ્યા હતા. એ વિદુષી સાધ્વી આત્મચરિતમાં લખે છે :– “મારા સાહિત્યજીવનનું અવલોકન કરી જોઉં છું, તો જણાય છે કે, હું એક પ્રબંધલેખિકા છું. દૈનિક, સાપ્તાહિક અને માસિકપત્રોમાં મેં જે કાંઈ લખ્યું છે, તેનો ઉદ્દેશ હતો સત્યનો પ્રચાર અને તેનું લક્ષ્ય હતું ધર્મભાવથી લોકોના મનને ઉંચે લાવવું.”

૩ – ધર્મજીવન

કુમારી કૉબના હૃદયમાં ધાર્મિક પિતામાતાના સુશિક્ષણને લીધે બાલ્યાવસ્થામાંથીજ ધર્મભાવ ખીલવા માંડ્યો હતો. આથી ઈશ્વરનું ચિંતન કરીને નિર્મળ આનંદનો અનુભવ કરતાં. સંસારનાં તિરસ્કાર કરવા યોગ્ય પાપો અને હલકા પ્રકારના ભાવો કોઈ દિવસ તેમના હૃદયનો સ્પર્શ કરી શક્યા નથી. કુમારી કૉબનું જીવન ગુલાબના પુષ્પ જેવું હતું. એમણે છેવટ સુધી કુમારીજીવન ગાળ્યું હતું. કર્મક્ષેત્રમાં પુષ્કળ લોકોના સમાગમમાં આવ્યાં હતાં, અને પોતાના ધર્મજીવનથી અનેક લોકોનાં મન ઉપર ઉત્તમ અસર કરી હતી.

કુમારી કૉબે તેમના પ્રારંભિક ધર્મજીવન વિષે આત્મચરિતમાં લખ્યું છે કે :– ઈશ્વર સર્વદર્શી અને વિચારક છે. એ વાતનો સર્વદા મારા મનમાં અનુભવ થતો. ઈશ્વર આપણા ગુપ્તમાં ગુપ્ત વિચાર અને કામકાજ જુએ છે એવી દૃઢ સમજણપૂર્વક હું ચાલતી હતી અને બધાં કામકાજ કરતી હતી. ઈશ્વરની આગળ કૃતજ્ઞતાથી મસ્તક નમાવવું એ મારા સ્વભાવનો એક વિશેષ ભાવ હતો. ઈશ્વર મારા ઉપર અગાધ દયા કરી રહ્યો છે, એજ વિચાર મારા મનમાં આવ્યા કરતો અને અંતરની કૃતજ્ઞતા ઈશ્વર તરફજ દોડતી. હું પોકારી પોકારીને કહી શકું છું કે, હું જ્યારથી નાની છોકરી હતી, ત્યારથીજ ઈશ્વરને ઘણું ચાહતી હતી. * * અંતરમાં આનંદ અનુભવવા માટે હું ઇશ્વરને પુકારતી ત્યારે મારા મનમાં અપાર આનંદ ઉછાળા મારતો અને મને એવું લાગતું કે જાણે એક રહસ્યપૂર્ણ નૂતન જીવન મારા અંતરમાં રહેલું છે. મારા મનના ભાવ મારાં માતા ઘણી સારી રીતે સમજી શક્યાં હતાં. * * ઉંડા આધ્યાત્મિક ભાવથી ભરેલા ગ્રંથો વાંચતી. મને ઠીક યાદ છે કે, એક દિવસ પિતાજી મને એક દાખલો ગણવાનો આપીને, મારા ભાઇઓને એક ઉત્કૃષ્ટ ધર્મગ્રંથ