પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
સાધ્વી કૉબ

ગ્રંથ વાંચી સંભળાવતા હતા. હવે મારું મન દાખલામાં ચોંટ્યું રહે કે ? હું તો એ ગ્રંથની વાતો સાંભળવા લાગી. x x હું ઘણી વખત છાનીમાની બાઇબલ અને એક બીજી સારી ચોપડી વાંચતી. બાઇબલ હું ઉત્તમરૂપે સમજી શકતી, એવું નહોતું; પણ મને એમ લાગતું કે એને વાંચ્યાથી હું ઈશ્વરની તરફ આગળ વધી રહી છું. અનેક રાત્રિએ જાગીને હું ઇશ્વરની પ્રાર્થના કરતી; ઇસુખ્રિસ્તની દશ આજ્ઞાઓ અને ઉપદેશ વાંચતી. મેં મારી મેળે પોતાની જાત સારૂ કેટલાક કઠોર નિયમ ઘડી રાખ્યા હતા અને તેનું પાલન કરવાને યત્ન કરતી. નિયમ ભંગ થવાથી મારે પોતાના ન્યાયાધીશ થવું પડતું અને એના ફેંસલામાં જે સજા ભોગવવી ઠરતી, તે ઘણી ગંભીર હતી.”

કુમારી કૉબને સૌથી પ્રથમ જે ઈશ્વરાનુભૂતિ થઈ હતી તે વિષયમાં એ પોતે લખે છે કે :– “માતાના જન્મદિવસે હું ઉદ્યાનમાં પુષ્પ વીણવા ગઈ હતી. એ વખતે ચારે તરફે ચમત્કારી દૃશ્ય હતું.એવું જણાતું કે જાણે પ્રત્યેક પદાર્થ ઈશ્વરના આવિર્ભાવથી પરિપૂર્ણ છે, અને મારા હૃદયમાં આનંદજ આનંદ છવાઇ રહ્યો છે ! એ અનુભવ, એ સાક્ષાત્કારને સારૂ મેં ઈશ્વરને કેટલોએ ધન્યવાદ આપ્યો હતો; પરંતુ ઘણી વાર ધન્યવાદ આપ્યા છતાં પણ મને તૃપ્તિ મળી શકી નહિ.”

“કુમારી કૉબના પિતા જૂના વિચારના ખ્રિસ્તી હતા. પહેલીવયમાં કુમારીને પણ એ ધર્મ ઉપર પ્રગાઢ વિશ્વાસ હતો, પરંતુ સત્તર વર્ષની વયે એ વિદુષી નારીનો ધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ રહી શક્યો નહિ. દર્શનશાસ્ત્ર, વિજ્ઞાન અને ધર્મનાં ઉડાં તત્ત્વોની આલોચના કરતાં કરતાં તેમનું મન નિરાકાર, અનંતસ્વરૂપ પ્રેમમય અને મુક્તિદાતા ઇશ્વરની તરફ ઝુકવા લાગ્યું; પ્રચલિત ખ્રિસ્તી ધર્મના અનેક મત બાબત તેમના મનમાં શંકાઓ ઉત્પન્ન થઈ. એ વિષયમાં તેમણે આત્મચરિતમાં લખ્યું છે :–

“હું સોળ વર્ષની વયે છાત્રનિવાસનો ત્યાગ કરીને ઘેર આવી. સત્તર વર્ષની વયે જીવનમાં પરિવર્તન શરૂ થયું. એ વખતે મારા જીવનનું મુખ્ય લક્ષ્યજ ધર્મ હતું. બાઈબલનો પાઠ કરીને હું પુષ્કળ આનંદ અનુભવતી. ઉનાળામાં એક એક દિવસમાં આખું બાઇબલ વાંચી નાખતી. મને સારી પેઠે યાદ છે કે,બાઈબલની કોઈ પણ કથા જ્યાંસુધી મારા હૃદયને સ્પર્શ કરી શકતી નહિ અને