પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
સાધ્વી કૉબ

મળે ? આગળ જીવનની સુમધુર સ્મૃતિ એજ તેમને સ્થિર રહેવા દીધાં નહિ. આ વિશાળ વિશ્વમાં અપાર જ્ઞાન, પ્રેમ અને શક્તિસંપન્ન પરમાત્મા સર્વત્ર વિરાજી રહ્યા છે; આપણા પિતા, પ્રભુ, રાજા અને બંધુતરીકે તે વિરાજે છે; તેના મંગળમય હસ્તમાંજ આપણે આપણા સમગ્ર યોગક્ષેમનો ભાર સોંપ્યો છે; એ આપણને ચાહે છે અને આપણા કલ્યાણની કાળજી રાખે છે; આપણી ચઢતી અને પડતી દ્વારા એ આપણને અનંત ઉન્નતિનેજ માર્ગે લઈ જાય છે; એ વિશ્વાસ મનુષ્યના મનમાં ઉત્પન્ન થવાથી તેને કેટલો બધો આનંદ થાય છે ! કેટલી બધી શાંતિ વળે છે ! આ સંસારમાં જે લોકો એ વિશ્વાસથી વંચિત છે તેઓ કેટલા હતભાગી છે ? આ બધા વિષયોનો વિચાર કરીને કુમારી કોબ પોતાના મનમાં અત્યંત કલેશ અનુભવવા લાગ્યાં. તેમના અંતરમાં ઘોર સંગ્રામનો આરંભ થયો. નિરાશ થઈને એ પોતાને દુઃખી ગણવા લાગ્યાં. આખરે તેમની વીસમી જન્મગાંઠને દિવસે એ સંગ્રામનો અંત આવ્યો. ઈશ્વરે પોતે કુમારી કૉબની સરળતા, વ્યાકુળતા અને સત્યાનુરાગ જોઇને તેમના અંત:કરણમાં દિવ્ય પ્રકાશ પ્રગટ કર્યો. ધર્મશીલા નારીના હૃદયમાં વિશ્વાસ અને ભક્તિ વિકસિત થયાં. એ હવે ઈસુ ખ્રિસ્તને મનુષ્યોનો મુક્તિદાતા અને બાઈબલને અભ્રાન્ત–કદી પણ ભૂલ ન ખાય-એવું ધર્મપુસ્તક માની શક્યાં નહિ. અનંત નરક તથા ખ્રિસ્તે બતાવેલા ચમત્કારો બાબત તેમને જે સંશય ઉત્પન્ન થયેા હતો તેનો ખુલાસો તો એમને કદી મળી શક્યો નહિ, પણ હવે એ બ્રહ્મવાદિની થયાં; પોતાને એકેશ્વરવાદીઓના દળમાંનાં એકતરીકે આગ્રહપૂર્વક ઓળખાવવા લાગ્યાં. એમના આત્મચરિતમાં એ વિષયનું વિસ્તારપૂર્વક વર્ણન છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે :–

“મારી અવસ્થા વર્તમાન સમયના અજ્ઞેયવાદીઓના જેવીજ થઈ હતી. મનની જ્યારે એવી સ્થિતિ હતી, એવામાં એક દિવસ હું ઉદ્યાનમાં એક જગ્યાએ ફરતી હતી. એ સ્થાન ઘણું નિર્જન હતું. ત્યાં એક કૃત્રિમ પહાડ હતો. હું એની પડખે બેઠી હતી. એ વખતે મે મહિનો હતો. ગ્રીષ્મઋતુનો સમય હતો, કેવો ચમત્કારી દિવસ ! સૂર્યના સુવર્ણ પ્રકાશથી ચારે દિશાઓમાં વિચિત્ર સૌંદર્ય છવાઈ રહ્યું હતું. વૃક્ષો ઉપર ખીલેલાં પુષ્પો શોભા આપી રહ્યાં હતાં. કુસુમોની સુગંધથી અંતર પ્રફુલ્લિત થતું હતું. એ વખતે મેં મારા પ્રિય કવિ શેલીની કવિતા વાંચીને ઉદ્યાનમાં પ્રવેશ કર્યો હતો. મારું