પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધ્વી રાબેયા

કરીને પોતાના ગુજરાનજોગું કમાવા જેટલી તેની ઉંમર કે શક્તિ નહોતી. ગામના ઘરડા માણસોએ એકઠા થઈને રાબેયાની દુર્દશાનો વિચાર કરીને એવો નિર્ણય કર્યો કે, રાબેયાએ દરરોજ એક એક ઘરમાં મહેમાનતરીકે રહેવું અને પોતાનાથી બની શકે તેટલી મદદ ઘરધણીને ઘરના કામકાજમાં કરવી; કારણ કે એ ગામડાના બધા રહેવાસીઓ એના જેવા દરિદ્રજ હતા. અરબસ્તાનના ગામડીઆ લોકો ગરીબ હોવા છતાં પણ પરોણાચાકરી કરવામાં લાંબા વખતથી પ્રસિદ્ધ છે.

આ પ્રમાણે રાબેયાના દિવસ વીતવા લાગ્યા. એ આખો દિવસ કોઈના ઘરમાં જઈને કામકાજ કરી આવીને ભજન કરતી તથા સંધ્યાકાળે પેાતાની બાલ્યાવસ્થાનાં સ્મરણ સાથે સંબંધ ધરાવતા પિતાના શીતળ ખેાળા જેવા ઝુંપડામાં જઈને આશ્રય લેતી. ગામની ડોશીઓ કોઈ કોઈ વખત દયા લાવીને રાત્રે બિચારી રાબેયાની સાથે તેની ઝુંપડીમાં જઈને સૂતી. રાબેયા રાત્રે પડી પડી પિતાનીજ ચિંતા કર્યા કરતી, ઉંડા નિસાસા નાખવા છતાં પણ તેના હૃદયની વેદના ઓછી થતી નહિ.

આ સ્થિતિમાં એકાદ વર્ષ નીકળી ગયું. એક દિવસ સાંજે આખા દિવસની થાકીપાકી રાબેયા ઝુંપડાના બારણા આગળ બેસીને રેતાળ રણનો વિશાળ વિસ્તાર નીરખી રહી હતી; વૃદ્ધ પિતાનું સ્મરણ થઈ આવવાથી તેનું મન આકુળવ્યાકુળ થઈ જતું હતું; એવામાં એક દુબળો પાતળો વૃદ્ધ પુરુષ તેની સામે આવીને પડી ગયો તથા સૂકાઈ ગયેલા ક્ષીણ અને દયા ઉપજાવે એવા સ્વરે બાલ્યો કે “રાબેયા ! હું લૂંટારાની છાવણીમાંથી નાસી આવ્યો છું, મને ઘણીજ તરસ લાગી છે, થોડુંક પાણી પા.” રાબેયાએ તે વૃદ્ધ પુરુષને તરત ઓળખ્યો, એ તો તેનો પિતા હતો.

રાબેયાની ઝુંપડીમાં એ વખતે પાણી નહોતું. ઝુંપડીમાં પોતે થોડાજ વખત રહેતી, એટલે મહામુસીબતે મળતા પાણીને પોતાને ત્યાં ભરી રાખતી નહિ. પિતાએ પાણી માગતાંની સાથેજ એ હાથમાં ઘડો લઈને પાણી લાવવા માટે દોડી. દોડીને જવા આવવામાં પણ તેને અડધા કલાક કરતાં વધારે વખત લાગ્યો. પાણી લઇને જે વખતે એ પિતાની પાસે પહોંચી તે વખતે તેનો દુ:ખી જીવ તેના હાડપિંજર જેવા શરીરમાં રહ્યો નહોતો. ઘણે દિવસે અણધાર્યે વખતે પિતાજીનું દર્શન થયું અને એ પાણીવગર પોતાનાજ દ્વાર