પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
સાધ્વી કૉબ

પણ પોતાનો ધર્મમત કોઈ પણ પ્રકારે છોડ્યો નહિ. તેમની સત્યનિષ્ઠા અટળ હતી. તેમની ઇચ્છા સંપૂર્ણરૂપે વિવેકને અનુસરતી હતી. જે કાંઇ મિથ્યા, વિવેકવિરુદ્ધ અને ઈશ્વરની ઈચ્છાનું વિરોધી હોય તે કરવાને એ કદી પણ ચાહતાં નહિ. એવા એ સન્નારીનો દુર્જય સંકલ્પ હતો. એ સંકલ્પને લીધેજ એ કોઈ દિવસ સત્ય થકી ભ્રષ્ટ થયાં નહિ, નૈતિક આદર્શથીસ્ખલિત થયાં નહિ, અન્યાય અને અસત્યની સાથે સંધિ કરી નહિ અને લોકોને રાજી રાખવા ખાતર પેાતાની વિવેકબુદ્ધિને શિથિલ થવા દીધી નહિ. એને લીધેજ આ વખતે પણ પિતાના મનને સંતુષ્ટ કરવા ખાતર એ એક ક્ષણ પણ પોતાના વિશ્વાસની વિરુદ્ધ વર્ત્યા નહિ; વિવેકની વિરુદ્ધ એક પણ કાર્ય કર્યું નહિ. એ ખ્રિસ્તી દેવળમાં જતાં નહિ. ખ્રિસ્તીઓની સાથે ઉપાસનામાં સામેલ થતાં નહિ. એથી કરીને એમના પિતાને દુઃખ થતું. પરંતુ ઉપાય શો ? એ સમયમાં કુમારી કૉબ એક નાના સરખા બગીચામાં જતાં, ત્યાં ગયાથી એમનું ચિત્ત ઈશ્વરચિંતનમાં ડૂબી જતું. રવિવારે સર્વ લોકો દેવળમાં જતાં ત્યારે અનંત ભૂરા આકાશ તળેના એ ઉદ્યાનને એ ઈશ્વરનું મંદિર ગણતાં. એ મંદિરમાં પોતાના પ્રિયતમ દેવતાના આવિર્ભાવ અનુભવીને ઉપાસનામાં મગ્ન થતાં. એમને મનથી ઈશ્વર અનંતસ્વરૂપ હતો અને આત્મા અમર હતો. આત્મા ઉપર ઈશ્વરનો જે પ્રેમ છે તે પણ અનંત છે. એ વિશ્વાસથી એમના મનમાં સુખ ઉભરાઈ જતું. જીવનની છેલ્લી ઘડીસુધી એમનો એ વિશ્વાસ દૃઢ રહ્યો હતો. એને લીધેજ એમણે આખું જીવન આનંદપૂર્વક કુમારીતરીકે વ્યતીત કર્યું હતું.

કુમારી કૉબે દીર્ઘકાળપર્યંત ધર્મના ઐશ્વર્યપૂર્ણ સુદૃઢ મહેલમાં નિર્વિઘ્ને વાસ કરીને, ગંભીર ઈશ્વરાનુભૂતિદ્વારા જે સત્યો પ્રાપ્ત કર્યાં હતાં, તે ધર્મપિપાસુ મનુષ્યોને માટે અમૂલ્ય છે. એ બધાં સત્યોનો સંગ્રહ અહીં કરવામાં આવે તો તે ચિત્તાકર્ષક થઈ પડે એમાં સંદેહ નથી, પરંતુ સ્થળસંકોચને લીધે અમે તેમ કરી શકતા નથી. અહીં એમના ઉપદેશમાંથી બે ચારનો સારાંશ આપીએ છીએ. એ કહી ગયાં છે કે :–

“વિજ્ઞાન આ પૃથ્વીને ભલે ગમે તેટલું છિન્નવિચ્છિન્ન કરીને જુએ, પણ તે આપણને એવી કોઈ શક્તિ આપી શકનાર નથી, કે જે શક્તિદ્વારા ઈશ્વરને ખોળી શકાય. આપણે જો ઈશ્વરના અનંત પ્રેમ અને પવિત્રતાનો ઉપભોગ કરવા માગતા હોઈએ, તો આપણે