પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
સાધ્વી કૉબ

કુમારી કૉબને પુષ્કળ મનુષ્યો સાથે વાદવિવાદ કરવો પડ્યો. જ્યારે એમણે જોયું કે, આ સભા દ્વારા પશુઓનાં દુઃખ દૂર થવાનો સંભવ છે, ત્યારે એમણે એજ કાર્યમાં પોતાનું મન વિશેષ પરોવ્યું. એમણે એ વિષયમાં કરેલા પરિશ્રમનું સ્મરણ કરતાં એમજ લાગે છે કે, એ કુમારીના હૃદયનો સમસ્ત પ્રેમ એ કાર્યમાંજ અર્પણ થયો હતો. એમણે આત્મચરિતમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, પશુકલેશનિવારિણી સભાને સારૂ રાતદિવસ કામ કર્યાથી, તેમનું શરીર લથડી ગયું હતું. જગતવિખ્યાત નેપોલિયન બોનાપાર્ટના ભત્રીજા પ્રિન્સ લુસિયન બોનાપાર્ટે એ વિષયમાં કુમારી કૉબને જે પત્ર લખ્યો હતો, તેનો સારાંશ નીચે મુજબ છે :–

આપે મને ‘પશુકલેશ નિવારિણી સભા’નો સહકારી પ્રમુખ નીમ્યો છે, તેને માટે હું આપની કમિટિના સભાસદોનો આભાર માનુ છું. હું આવા પ્રકારની સભાઓનો ઘણોજ પક્ષપાતી છું; કારણ કે મારૂં એવું માનવું છે, કે બીજાં પ્રાણીઓ ઉપર ગમે તે પ્રકારનો અત્યાચાર ભલે ચાલતો હોય, પણ વૈજ્ઞાનિક જગતમાં એવા અત્યાચાર ચાલે તો એ એમને માટે ઘણું લજ્જાજનક છે. વર્તમાન સભ્યતાને માટે પણ એ ગૌરવની વાત નથી. તે ઉપરાંત સૌથી મોટી વાત મારે એ કહેવાની છે કે, આવું નિષ્ઠુરાચરણ ઈશ્વરના કાયદા વિરુદ્ધ અને પાપકર્મ સિવાય બીજું કાંઈજ નથી.

કુમારી કૉબને ઇ. સ. ૧૮૮૪ની સાલમાં વૃદ્ધાવસ્થાને લીધે એ સભાના સેક્રેટરીના પદનું રાજીનામું આપવું પડ્યું. એ વખતે એ સભાના સભાસદોએ તેમને એક માનપત્ર આપ્યું હતું, એનો સંક્ષિપ્ત સાર નીચે પ્રમાણે છે :–

“અમે વિક્ટોરિયા સ્ટ્રીટ સોસાઈટીના અનુરાગી સભાસદો આજ આપને અભિનંદન આપવા સારૂ આવ્યા છીએ. આ સોસાઇટીના કામને ખાતર આપે કેટલો પરિશ્રમ કર્યો છે, કેટલું કષ્ટ વેઠ્યું છે, કેટલો ક્લેશ સહન કર્યો છે તે જાણવું બહારના લોકોને માટે અસંભવિત છે, આપ સર્વદા કેટલા ઉત્સાહપૂર્વક સભાનું કામ કરતાં તથા એ કામને ખાતર કેટલી વક્તૃત્વ શક્તિનો ઉપયોગ કરતાં, એ અમે ધ્યાનપૂર્વક જોયું છે. લોકોએ આપની કેટલીએ નિંદા કરી છે; પણ અમે ભાર દઈને કહી શકીએ છીએ કે, એ લોકોની એક પણ વાત પાયાદાર નહોતી.”

એ સભાના સભાસદોએ કેવળ મોંનાં વખાણ કરીને પોતાનું