પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
મહાન સાધ્વીઓ

ધારણ કરી. તેમનાં માતાપિતાની બધી કોશીશ ફ્રોગટ ગઇ.

થોડા દિવસ પછી ક્લેરાને બીજા મઠમાં રાખવામાં આવ્યાં. એ સમયમાં એમની ચૌદ વર્ષની નાની બહેન એગ્નિસ પણતેમની સાથે રહેવા લાગી અને સંન્યાસિની થઈ. હવે એમનાં માતપિતાથી સહન થઈ શક્યું નહિ. આડોશી પાડોશીઓને સાથે લઈને તેમણે મઠ ઉપર હલ્લો કર્યો; અને એગ્નિસને જબરદસ્તીથી બહાર લાવ્યાં. એગ્નિસના ઉપર ત્રાસ વર્તાવવામાં તેમણે બાકી રાખી નહિ. સંસારના મોહમુગ્ધ જીવ ઘણા પ્રાચીન કાળથી એવીજ રીતે ભક્તો, સાધુઓ અને મુમુક્ષુઓ તરફ વર્તતા આવ્યા છે. આપણા દેશમાં પ્રહલાદ અને મીરાંના ઉપર ક્યાં ઓછાં દુ:ખ પડ્યાં છે ?

પિતા અને પાડોશીઓના જુલ્મથી એગ્નિસ મૂર્ચ્છિત થઇ ગઈ. પરંતુ એવી અવસ્થામાં એ બાલિકાનું શરીર એટલું બધું ભારે થઈ ગયું કે સગાંઓ તેને ઉંચકીજ શક્યાં નહિ ! નિષ્ફળ થઈને તેમને પાછાં ફરવું પડ્યું. ભગવાને ભક્તની એવી રીતે સહાય કરી. કેમકે તેની મોટી બહેન સાધ્વી ક્લેરા આટલી વાર સુધી બહેનને માટે પ્રાર્થના કરી રહી હતી. ભક્તવત્સલ ભગવાને ભક્તની હૃદયપૂર્વકની પ્રાર્થના સાંભળીનેજ એગ્નિસનું શરીર એટલું બધું ભારે કરી દીધું કે શત્રુઓ તેમને ઉપાડી શક્યા નહિ. આવી રીતે એ આપત્તિમાંથી એનું રક્ષણ થયું, ક્લેરા બહાર આવીને ભગિનીને પોતાની સાથે લઇ ગયાં.

ત્યારપછી ફ્રાન્સિસે તેમને એક બીજા મઠમાં રાખ્યાં. ત્યાં આગળ ક્લેરાએ સાધ્વીઓનો મઠ સ્થાપ્યો, અને બ્રહ્મચારિણીઓને ધર્મનું શિક્ષણ આપવામાં બાકીનું જીવન ગાળ્યું.

સાધુ ફ્રાન્સિસના દેહત્યાગ પછી ર૭વર્ષ સુધી ક્લેરા જીવ્યાં હતાં.x[૧]



  1. “ભારતમહિલા” ભાગ-૧૦, અંક ૭ માંના શ્રીમતી અબલા બાલા ઘોષના લેખ ઉપરથી અનુવાદ.