પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન સાધ્વીઓ

આગળ સૂકાયલે ગળે મરણ પામ્યા, એ વિચારથી રાબેયાના મનમાં અત્યંત ખેદ થવા લાગ્યો. જે પિતાએ કેટલાં બધાં વર્ષો સુધી આદરથી તેનું લાલનપાલન કર્યું હતું, તે પિતાની સેવાચાકરી એક દિવસ પણ કરી શકાઈ નહિ એ વિચારથી રાબેયાના હૃદયના ચૂરેચૂરા થવા લાગ્યા. તેણે ભોંય ઉપર ધૂળમાં પડેલા પિતાના મસ્તકને પોતાના ખેાળામાં લીધું અને તેના ફિક્કા હોઠ, ચક્ષુ તથા છાતીને શીતળ જળ સિંચવા લાગી. જે પિતા પોતાના દુ:ખની કહાણી કહેવાને એક શબ્દ પણ બોલી શક્યા નહોતા, તેમના શબ ઉપરથી તેમણે બંદીવાન તરીકે ભોગવેલા દુઃખોની કહાણી રાબેયા વાંચવા લાગી. સૂકા અને લેવાઈ ગયેલા મુખ ઉપરથી તેમણે કેટલા દિવસ ભૂખ્યાતરસ્યા ગાળ્યા હશે, તેનો ભાવ સ્પષ્ટ જણાઈ આવતો હતો. તેમણે કેટલીએ રાતના ઉજાગરા વેઠ્યા હતા, એ તેમની આંખોની નીચેના ભાગ ઉપરની કાળાશ ઉપરથી જણાતું હતું. અને હાય ! તેમની સૂકાઈ ગયેલી પીઠ ઉપર નેતરના કેટલા બધા સોળ પડ્યા હતા ! થોડી કિંમત ઉપજે એવા વૃદ્ધ બંદીવાનને ખરીદનાર કોઈ નહિ મળે એમ ધારીને લૂંટારાઓએ તેમને પેાતાનીજ ગુલામગીરી કરવા રાખ્યા હશે ! આજ એ બિચારા મને મળવાની આશામાં કોઈ ને કોઈ લાગ મળતાં એમના પંજામાંથી છટકી આવ્યા હતા. આજ એમને લૂંટારાઓના હાથમાંથી મુક્તિ મળી, પણ સાથેસાથે એજ દિવસ આ દુનિયામાંથી સદાને માટે મુક્તિ મેળવનારો દિવસ થઈ પડ્યો. આ વિચારથી રાબેયાનું મગજ ભમવા લાગ્યું. હાય ! હાય ! મેં અભાગણીએ શા માટે એક ઘડો પાણી ભરી ન રાખ્યું ? આજ પિતાના મૃત્યુનું કારણ પોતેજ થઈ પડી એવું ધારીને એ ઘણોજ પસ્તાવો કરી રહી હતી. ગામના લોકોને રાબેયાના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા અને તેઓ તેને અવલમંજલ પહોંચાડવાને સારૂ તેને ઘેર જઈ પહોંચ્યા. તે વખતે પણ રાબેયા મૃતપિતાને ગરમ આંસુ અને શીતળ જળ ધીમે ધીમે સિંચી રહી હતી.

પિતાના મૃત્યુ પછી કેટલાક દિવસ ચાલ્યા ગયા. શોક અને દુઃખમાં પણ રાબેયા ધીમે ધીમે મોટી થવા લાગી. હવે એણે જુવાનીમાં પગ મૂક્યો. સદ્‌ભાગ્યે રાબેયા આરબ રમણીઓના સૌંદર્યથી બેનસીબ રહી હતી. તે કેવળ કાળી હતી એટલુંજ નહિ, પણ ઘણીજ કદરૂપી હતી. આવી અવસ્થામાં પરણીને ઘર